જામનગરના લાલબંગલા સર્કલ ખાતે દલિત સમાજ દ્વારા ખીમરાણા ગામની ઘટના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દલિત આગેવાન દેવરાજ ગોહિલ સામે દાખલ કરાયેલા ગુનાને પરત ખેંચવાની માંગ સાથે સમાજના લોકોએ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.
મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો લાલબંગલા સર્કલ ખાતે એકઠા થયા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોનો આક્ષેપ છે કે, ખીમરાણા ગામમાં દારૂબંધીના મુદ્દે અવાજ ઉઠાવનાર દેવરાજ ગોહિલ સામે પોલીસે દબાણમાં આવીને ખોટો ગુનો નોંધ્યો છે.

દેખાવકારોએ સૂત્રોચ્ચાર કરીને વહીવટી તંત્રને ચીમકી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જો આ કેસ તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

દલિત આગેવાનોના મતે, જે વ્યક્તિ સામાજિક કુરિવાજો અને અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, તેની સામે જ પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અન્યાયી છે. તેમણે પોલીસની કામગીરી પક્ષપાતી હોવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો હતો. હાલ લાલબંગલા સર્કલ ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિત સમાજે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

