Gujarat

ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક ખાતે બ્લુ મૂન દેખાયો

31 મેના રોજ આકાશમાં એક દુર્લભ ખગોળીય ઘટના, માઇક્રો બ્લુ મૂન, જોવા મળી હતી. આ અનોખી ચંદ્ર ઘટનાને નિહાળવા માટે ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા પ્રાંતિજ નજીક આવેલા સલાલના ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક ખાતે સાંજે 6:30 થી 10:30 વાગ્યા સુધી જાહેર નિરીક્ષણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઈસરો સાથે જોડાયેલા અધિકારીઓ સહિત અનેક ખગોળ રસિયાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પૂર્ણ ચંદ્ર એકસાથે બ્લુ મૂન અને માઇક્રોમૂન બંને હતો. મે મહિનાનો આ બીજો પૂર્ણ ચંદ્ર હોવાથી તેને બ્લુ મૂન તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આવી ઘટના દર બે થી ત્રણ વર્ષે એકવાર જોવા મળે છે. આ વખતે ચંદ્ર તેની ભ્રમણકક્ષામાં પૃથ્વીથી સૌથી વધુ દૂરના બિંદુ (એપોજી) પર હતો, જેના કારણે તે સામાન્ય પૂર્ણિમા કરતાં થોડો નાનો અને ઓછો તેજસ્વી દેખાયો.