જૂનાગઢ-સોમનાથ હાઈવે પર ડારી ટોલ પ્લાઝા સામે સોમવારે સાંજે એક CNG કારમાં અચાનક આગ લાગી હતી. વેરાવળ ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને ભારે નુકસાન થયું છે. સોમવારે સાંજે આશરે 6:30 વાગ્યે જગમાલ સોલંકીએ ફાયર કંટ્રોલ રૂમમાં આગ લાગ્યાની જાણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢ-સોમનાથ હાઈવે પર ડારી ટોલ પ્લાઝા સામે એક CNG કારમાં આગ લાગી છે.

માહિતી મળતા જ વેરાવળ ફાયર વિભાગની ટીમ DCPO નરેન્દ્રસિંહ આછડિયા, જીતેન્દ્રસિંહ ગોહિલ, દિનેશ કુહાડા અને જીગ્નેશ મકવાણા ફાયર વાહન નંબર GJ 18 GB 9039 સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

સમયસરની કાર્યવાહીથી આગ વધુ ફેલાતી અટકી હતી. આગની ઘટનાને કારણે હાઈવે પર થોડો સમય ટ્રાફિક પ્રભાવિત થયો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, કાર નંબર GJ 06 KD 5789ને અંદાજે રૂ. 4 લાખનું નુકસાન થયું છે. આ કાર ઉત્તરાખંડના રહેવાસી મુકુલ કલ્પીની હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ખામી અથવા CNG સિસ્ટમમાં લીકેજને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

