Gujarat

અંબાજી નજીક રાજસ્થાનમાં બે ટ્રકનો અકસ્માત

અંબાજી નજીક રાજસ્થાનની હદમાં વહેલી સવારે બે હાઈવા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. છાપરી અને સુરપગલા ગામ વચ્ચે બનેલી આ ઘટનાને કારણે કલાકો સુધી ચારથી પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક માહિતી અનુસાર, બંને હાઈવા ટ્રક આબુરોડથી અંબાજી તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન એક ટ્રક પહાડ સાથે અથડાયો હતો, જ્યારે બીજો ટ્રક પ્રોડક્શન દિવાલ સાથે ટકરાયો હતો.

અકસ્માતની જાણ થતાં જ રાજસ્થાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ટ્રકોને હટાવવા માટે ક્રેન બોલાવવી પડી હતી. પોલીસની મદદથી ટ્રાફિકને પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. વહેલી સવારે બનેલી આ ઘટનાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પોલીસ અને સ્થાનિક તંત્રના પ્રયાસોથી ધીમે ધીમે ટ્રાફિક હળવો થયો હતો.