Gujarat

ટીપી રોડ પર આવતા દબાણો દૂર કરાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં ટ્રાફિક અને જાહેર સુવિધાની સુધારણા માટે કડક અમલીકરણ અને લોકભોગ્ય સુવિધાઓ વધારવાની બેવડી કામગીરી હાથ ધરવામાં આવી છે.

કોર્પોરેશનના દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગે ઇસનપુર વિસ્તારમાં ટી.પી. સ્કીમ અંતર્ગત રસ્તા નડતરરૂપ 18 દુકાનો તોડી પાડી રસ્તો ખુલ્લો કર્યો છે. બીજી તરફ, શહેરના પ્રખ્યાત પ્રવાસન સ્થળ કાંકરિયા લેકફ્રન્ટ ખાતે મુલાકાતીઓ માટે ‘MYBYK’ સાયકલ અને ઇ-બાઇક રેન્ટલ સેવાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.

ઇસનપુરમાં એસ્ટેટ વિભાગનો સપાટો શહેરના ઇસનપુર વિસ્તારમાં ટી.પી. સ્કીમ અમલીકરણ અંતર્ગત જાહેરમાર્ગોને મોકળા કરવાની એક મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ટી.પી. સ્કીમ નં. 53 (ઈસનપુર) માં અસલાલીથી કમોડ સર્કલ તરફ જતા સર્વિસ રોડ પર 15 મીટર પહોળાઈનો ટી.પી. રોડ આવેલો છે.

આ રોડ કપાતમાં આવતી 18 દુકાનોના માલિકો દ્વારા અંદાજે 4500 ચોરસ ફૂટ જેટલું બાંધકામ સ્વેચ્છાએ દૂર કરવામાં ન આવતાં, એસ્ટેટ વિભાગે જે.સી.બી. મશીન, દબાણ ગાડી અને મજૂરોની મદદથી તેને તોડી પાડ્યું હતું. આ કડક કાર્યવાહીના પરિણામે અંદાજે 350 રનીંગ મીટર લંબાઈનો ટી.પી. રસ્તો વાહનવ્યવહાર માટે એકદમ ખુલ્લો થયો છે.

આ ઉપરાંત, દક્ષિણ ઝોનના વિવિધ જાહેરમાર્ગો તેમજ બી.આર.ટી.એસ. (BRTS) રૂટ પર નડતરરૂપ દબાણો સામે પણ ઝુંબેશ ચલાવાઈ હતી, જેમાં 3 કાયમી ઓટલા/રોડ દબાણ, 6 લારીઓ અને 75 નંગ પરચુરણ લુઝ સામાન જપ્ત કરી ગોડાઉન ભેગો કરાયો હતો. ગેરકાયદે પાર્ક કરાયેલા 12 વાહનોને નોટિસ ફટકારવામાં આવી હતી. ગેરકાયદેસર જાહેરખબરના બોર્ડ અને દબાણ પેટે કુલ ₹9 હજારનો વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો.