ચોટીલા નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ પાણી પુરવઠા વિભાગ અને PGVCL વિભાગના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. પાણી પુરવઠા હેડ વર્ક્સ પર વારંવાર પાવર ટ્રિપિંગ થવાને કારણે પાણી વિતરણ વ્યવસ્થામાં ઊભી થતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવા આ બેઠકનું આયોજન કરાયું હતું. બેઠક દરમિયાન, પાવર ટ્રિપિંગને કારણે ચોટીલા, થાન, સાયલા અને મુળી તાલુકાના ગામોમાં પાણી પુરવઠા પર પ્રતિકૂળ અસર પડી રહી હોવાનું નોંધવામાં આવ્યું હતું. આ સમસ્યાના નિરાકરણ માટે બંને વિભાગો વચ્ચે સંકલન સાધવા પર ભાર મૂકવામાં આવ્યો.

ઘોળીઘજા, ફુલગ્રામ, ઢેઢુકી, ચાણપા, ચોબારી, ઝીંઝુડા અને થાનગઢ હેડ વર્ક્સ મારફત આવતા પાણી અંગે ચર્ચા થઈ. સુરેન્દ્રનગર ઈન્ટેગ્રેટેડ ફેઇઝ-૨ નિવારણ પાણી પુરવઠા યોજના હેઠળ આવતા ગામોમાં નિયમિત પાણી વિતરણ સુનિશ્ચિત કરવા PGVCL દ્વારા સતત વીજ પુરવઠો જાળવવા ખાસ ભાર મુકાયો. અધિકારીઓને હેડ વર્ક્સ ખાતેની ટેકનિકલ ખામીઓને પ્રાથમિકતાના ધોરણે દૂર કરવા સૂચના અપાઈ.
નાયબ કલેકટરે સ્પષ્ટ કર્યું કે, ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યા ન થાય તે માટે બંને વિભાગોએ સંકલન સાથે કાર્ય કરવું અનિવાર્ય છે. PGVCL વિભાગે ખાતરી આપી કે જરૂરી પગલાં લઈને હેડ વર્ક્સ પર સતત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી પાણી પુરવઠાની વ્યવસ્થા સુધારી શકાય અને પ્રજાને પડતી તકલીફોમાં રાહત મળે.

