અમદાવાદમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.)ની 48મી વાર્ષિક સાધારણ સભા (એ.જી.એમ.) યોજાઈ હતી. જી.એસ.એફ.એ.ના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના નેતૃત્ત્વમાં આ સભામાં આગામી વર્ષોમાં રાજ્યમાં ફૂટબોલના વિકાસ અને સમૃદ્ધિ માટે નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જી.એસ.એફ.એ. ગુજરાતમાં ફૂટબોલની લોકપ્રિયતા વધારવા અને વધુ આશાસ્પદ ખેલાડીઓને આગળ લાવવા પ્રયાસ કરી રહ્યું છે.
હાલમાં ગુજરાતમાં કુલ 18,334 ફૂટબોલ ખેલાડીઓ નોંધાયેલા છે. એ.આઇ.એફ.એફ.ના સી.આર.એસ. મુજબ, રાજ્યમાં 7,363 સક્રિય ખેલાડીઓ છે, જેમાંથી 4,483 ખેલાડીઓએ વિવિધ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લીધો હતો.
જી.એસ.એફ.એ.ના 2025-26ના વાર્ષિક અહેવાલ મુજબ, ગુજરાતની શુભાંગી સિંઘે AFC U-20માં ભારતીય ટીમનું સુકાન સંભાળી ક્વોલિફાઈંગ રાઉન્ડમાં જીત મેળવી હતી. ખુશ્બુ સરોજે U-17 અને U-20માં ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું. ખુશ્બુ સરોજ સાથે તન્વી માવાણી અને રાધિકા પટેલની ભારતીય ફૂટસાલ ટીમમાં પસંદગી થઈ હતી, જેમણે SAFF વિમેન્સ ફૂટસાલ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
પુરુષ ખેલાડીઓમાં વિશાલ દૂબે અને અમન શાહ ભારતીય રાષ્ટ્રીય ફૂટસાલ ટીમમાં પસંદ થયા હતા અને કુવૈત ખાતે યોજાયેલી AFC ફૂટસાલ ચેમ્પિયનશીપમાં રમ્યા હતા. પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે જી.એસ.એફ.એ.ના પ્રયાસોથી ગુજરાતમાંથી ફૂટબોલ અને ફૂટસાલના ઓફિશિયલ્સ પણ નામના મેળવી રહ્યા છે. શક્તિસિંહ ચૌહાણે FIFA કોચ એજ્યુકેશન ડિપ્લોમા પૂર્ણ કર્યો છે, જ્યારે વિશાલ વાજા અને રચના કામાણી FIFA ફૂટસાલ ઓફિશિયલ તરીકે પસંદગી પામ્યા હતા.

