National

રક્ષામંત્રીએ કાર્યક્ષમતા મજબૂત કરવા ફિલ્ડ કમાન્ડર્સ માટે નાણાકીય મર્યાદામાં બે ગણા વધારાને મંજૂરી આપી

મહેસૂલી માર્ગ દ્વારા ૧.૨૫ લાખ કરોડથી વધુની ખરીદીને ટેકો આપવા માટે ઉન્નત નાણાકીય સત્તાઓમાં વધારો

રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહે ૦૪ જૂન, ૨૦૨૬ના રોજ નવી દિલ્હીમાં તબીબી અને બાંધકામ પ્રોજેક્ટ્સ સહિત સંરક્ષણ સેવાઓ માટે નાણાકીય સત્તાઓનું સુધારેલું પ્રતિનિયોજન (ડેલિગેશન ઓફ ફાઇનાન્સિયલ પાવર્સ) જાહેર કર્યું છે. નાણાકીય સત્તાઓમાં આ વધારો ૧૦૦% સુધી અને કેટલાક કિસ્સાઓમાં બમણા કરતાં પણ વધુ કરવામાં આવ્યો છે. આનાથી ફિલ્ડ કમાન્ડર્સની કાર્યક્ષમતા વધુ મજબૂત થશે અને કરારો વહેલા પૂર્ણ કરવા તથા પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણ તરફ દોરી જશે.

વિદેશી મૂળ ઉપકરણ ઉત્પાદકો પરની ર્નિભરતા ઘટાડીને સંરક્ષણ ક્ષેત્રે આર્ત્મનિભરતાને વેગ આપવા માટે સૈન્ય ઇકોસિસ્ટમમાં સ્વદેશીકરણ અને સંશોધન તથા વિકાસ (આર એન્ડ ડી) માટે સોંપવામાં આવેલી નાણાકીય સત્તાઓ બમણી કરવામાં આવી છે. નાણાકીય સત્તાઓનું આ સુધારેલું પ્રતિનિયોજન ચાલુ વર્ષની અંદાજપત્રીય ફાળવણી અનુસાર, મહેસૂલી માર્ગ દ્વારા રૂ. ૧.૨૫ લાખ કરોડથી વધુની ખરીદીની પ્રક્રિયાને સરળ બનાવશે.

તાત્કાલિક ઓપરેશનલ જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરી પાડવામાં આવતી કુલ મર્યાદામાં ૧૦૦% વધારાની સાથે આર્મી/એરફોર્સ/નેવીના કમાન્ડરોને સોંપવામાં આવેલી વિશેષ નાણાકીય સત્તાઓમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. નાણાકીય સત્તાઓમાં વધારો કરવા ઉપરાંત, સામાન્ય ખરીદી કરતા વધુ પ્રતિનિયોજન સાથે લીડ સર્વિસ દ્વારા સંયુક્ત સેવા ખરીદીને પ્રોત્સાહન આપવા માટે નવી જાેગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. માલસામાન અને સેવાઓની ખરીદીનું વિકેન્દ્રીકરણ કરવા માટે સક્ષમ નાણાકીય સત્તાવાળાઓના ઘણા નવા સ્તરો રજૂ કરવામાં આવ્યા છે.

નાણાકીય સત્તાઓ છેલ્લે વર્ષ ૨૦૨૧માં સૂચિત કરવામાં આવી હતી. સૈન્ય દળોના સ્તરમાં થયેલા વિસ્તરણ અને અંદાજપત્રીય ફાળવણીમાં થયેલા વધારાની સામે ઓપરેશન્સ તથા નિભાવણી પરના વધેલા ખર્ચને પહોંચી વળવા માટે આ સુધારો કરવો જરૂરી બન્યો હતો. ઓક્ટોબર ૨૦૨૫ માં સૂચિત કરવામાં આવેલી સુધારેલી સંરક્ષણ ખરીદી માર્ગદર્શિકા (ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ મેન્યુઅલ) ની સાથે નાણાકીય સત્તાઓમાં આ સુધારેલું પ્રતિનિયોજન ઝડપી ર્નિણય પ્રક્રિયા દ્વારા સંરક્ષણ ખરીદીને વેગ આપશે. આનાથી સંરક્ષણ દળોની જરૂરિયાતો મુજબ સંસાધનોની સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે.

આ પ્રસંગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ દ્ગજી રાજા સુબ્રમણિ, ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ એડમિરલ ક્રિષ્ના સ્વામીનાથન, સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહ, સચિવ (સંરક્ષણ ઉત્પાદન) શ્રી સંજીવ કુમાર, સચિવ (પૂર્વ સૈનિક કલ્યાણ) શ્રીમતી સુકૃતિ લિખી, સચિવ (સંરક્ષણ નાણાં) શ્રી વિશ્વોજીત સહાય, વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ એર માર્શલ નાગેશ કપૂર, કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સ શ્રી અનુગ્રહ નારાયણ દાસ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.