Gujarat

પહેલા જ દિવસે પાંજરામાં ફસાયો, ગ્રામજનો અને વન વિભાગે રાહત અનુભવી

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેલણ ગામ અને આસપાસના વાડી વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભય ફેલાવનાર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં કેદ થયો છે. દીપડો પકડાતા સ્થાનિક ગ્રામજનો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. મળતી માહિતી મુજબ, વેલણ નજીકના વિસ્તારોમાં દીપડાની સતત અવરજવર જોવા મળતી હતી, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આથી વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.

આશ્ચર્યજનક રીતે, પાંજરું મૂક્યાના પહેલા જ દિવસે દીપડો તેમાં ફસાઈ ગયો હતો. આ દીપડો ભરતભાઈ રાજાભાઈ ચુડાસમાની વાડીમાંથી પકડાયો હોવાનું જાણવા મળ્યું છે વન વિભાગના જણાવ્યા મુજબ, પાંજરે પુરાયેલો દીપડો અંદાજે 5 થી 9 વર્ષની ઉંમરનો નર દીપડો છે. દીપડો પકડાયા બાદ વન વિભાગની ટીમે જરૂરી કાર્યવાહી કરીને તેને સુરક્ષિત રીતે જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો હતો.

વન વિભાગ દ્વારા દીપડાના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ નિયમો મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દીપડો ઝડપાઈ જતા વેલણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ભયનો માહોલ સંપૂર્ણપણે ઓસરી ગયો છે.