મહેસાણા શહેરમાં લગભગ આઠ વર્ષ બાદ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા પોલીસ કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય બજારો અને સંવેદનશીલ વિસ્તારોમાં ફરી કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક અને સુરક્ષાની સ્થિતિનો જાતે ચિતાર મેળવ્યો હતો.
પેટ્રોલિંગ દરમિયાન નંબર પ્લેટ વિનાનાં બાઇકો, કાળી ફિલ્મવાળી કારો સહિતના વાહનો સામે સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આઠ વર્ષ પૂર્વે તત્કાલીન એસપી નિલેશ ઝાઝડીયાએ શહેરના ફુવારાથી રાધનપુર ચાર રસ્તા સુધી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.
પેટ્રોલિંગ દરમિયાન નગરપાલિકાના ઢાળ પાસે રોડ પર પાર્ક કરાયેલા વાહનો હટાવાયા હતા, જ્યારે નીચા ભાટવાડા નજીક રેડીમેડ કપડાંની દુકાનનું રોડ પર મૂકાયેલું જાહેરાત બોર્ડ પણ તાત્કાલિક દૂર કરાવાયું હતું. કસ્બા વિસ્તારમાં શંકાસ્પદ લાગતાં બે એક્ટિવાની ડેકી ચેક કરી હતી. ઉપરાંત રસ્તામાં મળેલા ચાર નંબર પ્લેટ વિનાનાં બાઇક અને અંબાજીપરામાં ભોંયરાવાસ નજીક ચોકમાં કાળી ફિલ્મ લગાવેલી થાર સહિત બે કાર ડિટેઇન કરી એ ડિવિઝન પોલીસ મથકે મોકલી હતી.
શનિવારે સાંજે એ ડિવિઝન પોલીસ મથકથી શરૂ થયેલા ફૂટ પેટ્રોલિંગમાં ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, એલસીબી પીઆઈ અનિરુદ્ધ કામળિયા, એસઓજી પીઆઈ જી.આર. રબારી, એ ડિવિઝન પીઆઈ આશિષ પટેલ સહિત 50થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા.

