Gujarat

તોરણવાળી ચોકમાં ભરાતું પાથરણા બજાર અને શાકભાજી લારીઓ પીલાજીગંજમાં ઊભી રહેશે

મહેસાણાના હૃદય સમા તોરણવાળી માતાના ચોકને હેરિટેજ ચોક તરીકે વિકસાવવાની કામગીરી વચ્ચે ટ્રાફિક અને દબાણ મોટો અવરોધ બનતાં મનપાએ ચોકમાં ભરાતું પાથરણા બજાર અને શાકભાજીની લારીઓને પીલાજી ગંજમાં ખસેડવાનો નિર્ણય કર્યો છે. જોકે, પહેલા દિવસે અમલ જોવા મળ્યો ન હતો. મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ ડેવલપમેન્ટનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ સતત ટ્રાફિક અને દબાણને કારણે એજન્સી કામગીરી ઝડપથી કરી શકતી ન હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ મુદ્દે મેયર સોનલબેન ઓઝા, ડેપ્યુટી મેયર રમેશભાઈ રાજપૂત, સ્ટેન્ડિંગ ચેરમેન દીપક પટેલ અને અધિકારીઓની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં નક્કી કરાયું હતું કે, હેરિટેજ ચોકનું કામ ઝડપથી અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે તોરણવાળી માતાના ચોકમાં ભરાતું પાથરણા બજાર તથા શાકભાજીની લારીઓને કાયમી ધોરણે પીલાજીગંજ ખાતે ખસેડવામાં આવશે. અધિકારીઓને શનિવારથી જ તેનો અમલ કરાવવા સૂચના પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ તોરણવાળી માતાના ચોકમાં થતા ટ્રાફિકને લઈ શાકભાજીની લારીઓને પીલાજીગંજમાં હંગામી ધોરણે ખસેડવામાં આવી હતી. પરંતુ ચોકમાં કામગીરી ચાલુ ન થતાં કેટલાક દિવસો બાદ લારીઓ પરત ચોકમાં આવી ગઇ હતી. શનિવારથી તમામને પીલાજીગંજમાં ખસેડવાના નિર્ણય બાદ પણ સાંજે ચોકમાં દરરોજની જેમ જ શાકભાજીની લારીઓ ઉભી રહી હતી.