રાષ્ટ્રીય રાજધાનીમાં માનનીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ પ્રખ્યાત અભિનેતા વિક્રાંત મેસી, વર્લ્ડ ચેમ્પિયનશિપની સિલ્વર મેડલ વિજેતા બોક્સર નૂપુર શિયોરાન અને પ્રખ્યાત કન્નડ અભિનેત્રી રાગિણી દ્વિવેદી સાથે દેશવ્યાપી વિશેષ સંસ્કરણનું નેતૃત્વ કર્યું હોવાથી પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે લોકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.
નવી દિલ્હીમાં ૧૫,૦૦૦ થી વધુ ફિટનેસ ઉત્સાહીઓએ સાયકલ ચલાવી હતી અને કારગિલ તથા લેહથી લઈને કન્યાકુમારી અને અલેપ્પી સુધી, તેમજ ત્રિપુરાથી લઈને વડોદરા સુધી ભારતના ખૂણે-ખૂણે હજારો સ્થળોએ આ એક જ દિવસના સાયકલિંગ અભિયાનમાં ૪ લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો.
ડિસેમ્બર ૨૦૨૪ માં ડો. મનસુખ માંડવિયા દ્વારા શરૂ કરવામાં આવેલી આ સાયકલિંગ પહેલે ભારતમાં ૩૦ લાખથી વધુ લોકોના જીવનને સ્પર્શ કર્યો છે અને હજારો સ્થળો સુધી પહોંચી છે. કેન્દ્રીય રમતગમત મંત્રીએ એક મૈત્રીપૂર્ણ ટગ ઓફ વોર (દોરડા ખેંચ) માં અભિનેતા વિક્રાંત મેસીને હરાવ્યા હતા અને ત્યારબાદ “ભારત માતા કી જય” અને “ફિટ ઇન્ડિયા, હિટ ઇન્ડિયા” ના નારા લગાવતા સાયકલ સવારો સાથે સાયકલ ચલાવી હતી.
લોકપ્રિય ફિલ્મ સ્ટાર વિક્રાંત મેસી માટે, ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ‘ બાળપણની યાદો તાજી કરી લાવ્યું અને બેઠાડુ જીવનશૈલી તથા ભારે સ્ક્રીન ટાઇમના આ યુગમાં સારું સ્વાસ્થ્ય જાળવવાના મહત્વની યાદ અપાવી. “ઘણા વર્ષો પછી, આ રવિવારની સવારે બાળપણમાં આપણે કેવી રીતે મિત્રો સાથે બહાર જતા હતા તેની યાદો તાજી કરી દીધી. ઘણી જૂની યાદો તાજી થઈ ગઈ. રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા છેલ્લા ૧.૫ થી ૨ વર્ષથી આ પહેલ માટે ખૂબ જ પ્રતિબદ્ધ છે. તેઓ રોજ સાયકલ ચલાવે છે અને દર રવિવારે ભાગ લે છે, જે ખરેખર પ્રેરણાદાયક છે. તે એક જનઆંદોલન બની ગયું છે. આજે અહીં ઓછામાં ઓછા ૧૫૦૦૦ થી ૧૮૦૦૦ લોકો હાજર છે, જે તેમની સખત મહેનત દર્શાવે છે. આપણે બધા સારા સ્વાસ્થ્યનું મહત્વ સમજીએ છીએ. આપણે આપણા બાળકોને સ્ક્રીન ટાઇમ ઓછો કરવા અને ખરેખર મેદાનમાં જઈને રમવા માટે કહેવું જાેઈએ. તમે ગમે તેટલા પૈસા કમાઓ કે ગમે તેટલી મિલકત બનાવો, સ્વાસ્થ્ય વિના કશું જ મહત્વનું નથી.”
બોક્સિંગમાં ૮૦ કિગ્રા વર્ગમાં વર્લ્ડ કપમાં બે ગોલ્ડ મેડલ જીતનાર નૂપુર શિયોરાને સ્વીકાર્યું કે ફિટ ઇન્ડિયા જેવી પહેલોને કારણે ભારતીય નાગરિકો હવે શારીરિક ફિટનેસ પ્રત્યે વધુ જાગૃત થયા છે. નૂપુરે સાયકલ ચલાવતા પહેલા અભિનેતા વિક્રાંત મેસીને બોક્સિંગની કેટલીક ટિપ્સ પણ આપી હતી. ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ’ પહેલ ખૂબ જ સારી છે. આજે મેં અહીં જે વિશાળ જનમેદની જાેઈ તે દર્શાવે છે કે આજના સમયમાં લોકો શારીરિક ફિટનેસ પ્રત્યે કેટલા જાગૃત થયા છે. અને સાયકલ ચલાવવી એ ખરેખર એક અદભુત અને આનંદપ્રદ પ્રવૃત્તિ છે. હું દરેકને વિનંતી કરું છું કે દરરોજ સાયકલ ચલાવવા અથવા અન્ય કોઈ શારીરિક પ્રવૃત્તિ માટે ઓછામાં ઓછી ૧૫-૩૦ મિનિટ જરૂર કાઢે,” એમ નૂપુર શિયોરાને કહ્યું હતું.
પ્રખ્યાત ટ્રિપલ જમ્પ એથ્લેટ પ્રાચી તોમર અને રાષ્ટ્રીય સ્તરની ૩૦૦૦ મીટર સ્ટીપલચેઝર શિવાની પ્રધાનિયાએ પણ આ સાયકલોથોનમાં ભાગ લીધો હતો.
એક ફન ઝોન પણ બનાવવામાં આવ્યો હતો જેમાં લોકોને બેડમિન્ટન, ચેસ, કેરમ અને લુડો વગેરે જેવી રમતો અજમાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. લેમન રેસ (ચમચી લીંબુ રેસ), બોલ ગેમ, ટગ ઓફ વોર, સ્ક્વોટ ચેલેન્જ અને પુશ-અપ ચેલેન્જ પણ યોજવામાં આવી હતી.

