ગાંધીનગર જિલ્લાના કલોલના 72 વર્ષીય વૃદ્ધાને મંઝિલ સુધી પહોંચાડવાના બહાને રીક્ષામાં બેસાડીને નજર ચૂકવી રિક્ષામાં સવાર ગેંગ સોનાના દાગીના – રોકડ રકમ મળીને કુલ રૂ.2.07 લાખની મત્તા તફડાવી ફરાર થઈ જતા કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચાંદખેડાથી રિક્ષામાં બેઠા ને અડાલજમાં ઉતારી દીધા કલોલની આઝાદનગર સોસાયટીમાં રહેતા 72 વર્ષીય કોકિલાબેન હસમુખલાલ શાહ ગત તારીખ 3 જૂનના રોજ અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતી પોતાની દીકરીના ઘરેથી પરત કલોલ આવી રહ્યા હતા. તેઓ વાસણા બસ સ્ટેન્ડથી એએમટીએસ બસમાં બેસીને સવારે 10 વાગ્યાના અરસામાં ચાંદખેડા ઉતરી વાહનની રાહ જોઈ રહ્યા હતા.
આ અરસામાં એક રિક્ષા આવતા તેઓ કલોલ જવા માટે રિક્ષામાં બેઠા હતા. જેમાં ડ્રાઈવરની આસપાસ બે પુરુષો અને પાછળની સીટ પર એક મહિલા પેસેન્જર અગાઉથી બેઠેલી હતી. બાદમાં રિક્ષા ચાલકે અડાલજની ગેબનશાહ પીર દરગાહ પાસે રિક્ષા ઉભી રાખી હતી. તે સમયે બાજુમાં બેઠેલી મહિલા ઉતરી ગઈ હતી અને રિક્ષાચાલકે વૃદ્ધાને કહ્યું હતું કે, હું આ બે પેસેન્જરને થોડે દૂર ઉતારીને આવું છું ત્યાં સુધી તમે અહીં ઉતરી જાવ. હું તમને થોડીવારમાં કલોલ લઈ જઈશ.
વૃદ્ધાએ પોતાની કપડાની થેલી તપાસતાં થેલી ગાયબ જેના પર વિશ્વાસ રાખીને વૃદ્ધા નીચે ઉતર્યા હતા. અને રિક્ષાચાલક રોંગ સાઈડમાં રિક્ષા લઈને જતો રહ્યો હતો. જોકે અડધો કલાક સુધી રાહ પછી પણ રિક્ષાચાલક પરત ન આવતા તેઓ બીજી રિક્ષા કરીને બપોરે પોતાના ઘરે પહોંચ્યા હતા. અને વૃદ્ધાએ પોતાની કપડાની થેલી તપાસી ત્યારે તેમાં રાખેલા બે પાકીટ ગાયબ હતા.

