ગ્રામ્ય વિસ્તારોમાં વાડીઓની અંદર એકલા કામ કરતા વૃધ્ધોને ટાર્ગેટ બનાવી પૈસા પડાવતી ગેંગ સક્રિય થઇ છે. જેમાં રાજકોટ નજીક મહીકા ગામના ખેડૂતો પાસે ઈનામી ડ્રોના કુપન સ્ક્રેચ કરાવી પૈસા પડાવી લેતી ગેંગ સામે અલગ અલગ બે ફરિયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
જે પૈકી એક ખેડૂત પાસેથી ટોળકીએ રૂપિયા 22,500 પડાવી લીધા હતા. જ્યારે અન્ય ખેડૂત પાસે રૂ.22,000ની માંગણી કરવામાં આવતા ખેડૂતે પોલીસનો સંપર્ક કરતા તાત્કાલિક અસરથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાંચ શખસોની ટોળકીને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પૈસા પડાવતા 5 શખસને પોલીસે દબોચી લીધા શહેર ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં વાડીની અંદર એકલા કામ કરતા મોટી ઉંમરના લોકોને ટાર્ગેટ બનાવી ઇકો ગાડીમાં એક ટોળકી ફરી રહી હતી. પોતાની સાથે નીતિ સેલ્સ ઓફર નામનું પેમ્પલેટ રાખી તેમાં સ્ક્રેચ ખેડૂત પાસે કરાવી તેમની પાસેથી બળજબરી પૂર્વક ડરાવી ધમકાવી રૂપિયા પડાવી લેતા હતા.
આ ટોળકી કોઈ વસ્તુ આપતી ન હતી. જે અંગે બે અલગ અલગ ફરિયાદ નોંધાતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે આ ટોળકીના 5 શખસને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા 5 શખ્સોમાં રમેશ ચાવડીયા, રૂપા ચાવડીયા, હિતેશ ઉર્ફે રિતેશ ચાવડીયા, હિન્દુ વરુ અને ગોવિંદ ચાવડીયાનો સમાવેશ થાય છે.

₹ 30 ભરી સ્ક્રેચ કરવાનું કહી વસ્તુની લાલચ આપતા પોલીસના જણાવ્યા મુજબ આ ટોળકીની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે જેમાં તે પોતાની સાથે નીતિ સેલ્સ ઓફર નામનું પેમ્પલેટ રાખતા હતા. સવારના સમયે તેઓ ઇકો ગાડીમાં ગ્રામ્ય વિસ્તારમાં વાડી વિસ્તારમાં જઇ વાડીમાં અંદર જો કોઈ એકલા મોટી ઉંમરના માણસ દેખાઈ તો તેમની પાસે જઈ પેમ્પલેટ આપી આ ઈનામી ડ્રો ઓફર છે.
માત્ર 30 રૂપિયા ભરી સ્ક્રેચ કરવાનું કહી જેમાં સ્ક્રેચ કર્યા બાદ જે વસ્તુ લખેલી હશે તે આપશું તેવી લાલચ આપતા હતા. જો કે સ્ક્રેચ કર્યા પછી વસ્તુ આપવા બદલે ધાક ધમકી આપી બળજબરી પૂર્વક પૈસા પડાવી વસ્તુ આપતા ન હતા.

