અમદાવાદના કલાપીનગર વિસ્તારમાં રહેતા પૂજારીનું ધોળા દિવસે અપહરણ કરી ઘરમાં ગોંધી રાખી માર્યો હોવાની ઘટના બની હતી. પૂજારીનો પુત્ર યુવતીને ભગાડી જતા તેના પરિવારજન અને અન્ય વ્યક્તિઓએ અપહરણ કરીને ગાડીમાં બેસાડી ભાર્ગવ રોડ પર આવેલી એક સોસાયટીના મકાનમાં રાખ્યો હતો. માર માર્યા બાદ છોડી મૂકવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
ક્રેટા ધોળા દિવસે પૂજારીનું અપહરણ મળતી માહિતી મુજબ, કલાપી નગરના ઉમિયા નગર પાસે આવેલા ગોકુલ એપાર્ટમેન્ટમાં પ્રકાશભાઈ શર્મા પરિવાર સાથે રહે છે અને શનિદેવ મંદિર ખાતે પૂજાપાઠ કરે છે. ગઈકાલે 9 જુનના રોજ સાંજે છ વાગ્યે શનિદેવ મંદિર ખાતે પ્રકાશભાઈ હાજર હતા ત્યારે સફેદ કલરની ક્રેટા ગાડી આવી હતી જેમાંથી બે માણસોએ ઉતરી અને કહ્યું હતું કે ગાડીમાં બેસી જાવ.
‘તારો દીકરો હર્ષિલ મારી બેનને ભગાડી ગયો છે’ બે શખ્સોએ ખેંચીને આગળની સીટમાં બેસાડી દીધા હતા, બાદમાં રામેશ્વર તરફ લઈ ગયા હતા ચાલુ ગાડીમાં તેમણે જણાવ્યું હતું કે તારો દીકરો હર્ષિલ મારી બેનને ભગાડી ગયો છે તે ક્યાં છે તેમ કહીને માર મારવા લાગ્યા અને મોબાઇલ ફોન પણ લઈ લીધો હતો.
એક રબારીના મકાનમાં લઈ ગયા ને માર માર્યો મેઘાણીનગર ભાર્ગવ સોસાયટીમાં ગાડી લઈ ગયા હતા ત્યાં એક રબારીના મકાનમાં લઈ ગયા અને બાદમાં ઘરમાં બેસાડીને માર મારવાનું ચાલુ કર્યું હતું. મેઘાણીનગર વિસ્તારમાં જ રહેતા જીવરાજભાઈ નામના વ્યક્તિ ત્યાં આવ્યા હતા અને લાકડી લઈને કહ્યું કે તારો છોકરો મારી છોકરીને ક્યાંય લઈ ગયો છે તેમ કહીને માર મારવા લાગ્યો હતો ત્યારબાદ બીજા બે છોકરાઓએ પણ માર્યો હતો. માર માર્યા બાદ ફરીથી ગાડીમાં બેસાડી ચાલ તારો છોકરો બતાવો કહીને ચિલોડા અને ગાંધીનગર તરફ લઈ ગયા હતા.

