જામનગર શહેરના ગોલ્ડન સિટી વિસ્તારમાં આવેલા ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામ પર સિટી સી-ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી સાત મહિલા જુગારીઓની અટકાયત કરી કુલ ₹36,150નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટના બીજા માળે રહેતી દિવ્યાબા પ્રવીણસિંહ જાડેજા પોતાના ફ્લેટમાં બહારથી મહિલાઓને બોલાવી ગંજીપત્તાના પાના વડે ‘તીન પત્તી’નો જુગાર રમાડી રહી છે. આ બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષકના વોરંટ સાથે પોલીસ ટીમે પંચોની હાજરીમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ફ્લેટના હોલમાં સાત મહિલાઓ ગોળ કુંડાળું વળી જુગાર રમતી ઝડપાઈ હતી.
તપાસ દરમિયાન ફ્લેટ માલિક દિવ્યાબા પ્રવીણસિંહ જાડેજાના કબજામાંથી જુગારની નાલ સહિત ₹8,750 રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત, અન્ય મહિલા આરોપીઓ નસીમબેન ઇબ્રાહીમભાઈ દલ પાસેથી ₹3,750, મધુબેન જેરામભાઈ વાછાણી પાસેથી ₹4,800, આશાબેન યોગેશભાઈ મેવાણી પાસેથી ₹4,750, લતાબેન હરીશભાઈ હિંદુજા પાસેથી ₹5,450, આનંદબા રાજેન્દ્રસિંહ ઝાલા પાસેથી ₹4,450 અને લીલાબેન ધિરેનભાઈ ઠાકર પાસેથી ₹4,200 રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા.

