Gujarat

જામનગરના લીંબુડા ગામે પુરુષોત્તમ માસની ઉજવણી

જામનગર જિલ્લાના લીંબુડા ગામે પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ગામના ‘લીબેશ્વર મહાદેવ મહિલા મંડળ’ દ્વારા આખા ગામમાં દરરોજ સત્સંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ ધાર્મિક મહોત્સવમાં ખાસ કરીને ઉમિયા નગર મહિલા સત્સંગ મંડળની બહેનો સત્સંગનો લ્હાવો લેવા લીંબુડા ગામે કે.કે. સોરઠીયાના ફાર્મ હાઉસ ખાતે પહોંચી હતી. લીંબુડા ગામ ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં મહિલાઓ આ સત્સંગમાં ઉમટી પડી હતી.

આ વિશેષ સત્સંગમાં મહિલાઓએ મોડી રાત સુધી ભજન-કીર્તન કરી વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. સત્સંગની પૂર્ણાહુતિ બાદ તમામ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓને પ્રસાદીનું પણ વિતરણ કરાયું હતું.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે લીબેશ્વર મહાદેવ મહિલા મંડળની બહેનો અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. પુરુષોત્તમ માસના કારણે લીંબુડા અને આસપાસના વિસ્તારોમાં ધર્મની સરવાણી વહી રહી છે.