Gujarat

જામ્યુકોની નવી બોડીની સ્ટેન્ડીંગ કમિટિની પ્રથમ બેઠક, 3.80 કરોડના કામો મંજુર

જામનગર મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓ સત્તારૂઢ થયા બાદ સ્ટેન્ડીંગ કમિટિની પ્રથમ બેઠક બુધવારે સાંજે મળી હતી.જેમાં વોર્ડ નં. 7માં લોકભાગીદારીથી સીસી રોડ અને પેવર બ્લોકના કામ માટે રૂા. 2 કરોડના ખર્ચને મંજુરી સાથે જુદા જુદા કુલ 3.80 કરોડના કામોને બહાલી અપાઇ હતી.

જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટિની પ્રથમ બેઠક બુધવારે સાંજે ચેરમેન ધીરેન મોનાણીના અધ્યક્ષસ્થાને મળી હતી.જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંટ અન્વયે વોર્ડ નં. 7 વિસ્તારની ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડની વસાહતો તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારી થી માળખાકીય સુવિધાઓ ની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અન્વયે રૂા. 200 લાખના ખર્ચને મંજુર કરવાનો નિર્ણય લેવાયો હતો.

જયારે રોડ સ્વીપર મશીનના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ ના કામ માટે રૂ.46.82 લાખ,મનપાની લાઈટ શાખાની મેઈન્ટેનન્સ કામગીરી માટે ઈલેકટ્રીક લાઈટ આઈટમ ખરીદ કરવા વર્ષ 2026-27ના વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ અંગે રૂા. 40 લાખ,મનપાના વોટર વર્કસ શાખાના બોરીંગ વિભાગ માટે ગેલ્વેનાઈઝ પાઈપ તથા બોરીંગ/યુનિસેફ આઈટમ ખરીદ કરવા વર્ષ ૨૦૨૬-૨૭ ના વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ અંગે રૂા. 15 લાખના ખર્ચ સહિત જુદા જુદા કામોને મંજુરી અપાઇ હતી.