Gujarat

કલોલમાં બે હિંસક વાનરો પાંજરે પુરાયા

કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં જાણે વાનર રાજ ચાલતું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને જી.ઈ.બી. કચેરી અને સિન્ટેક્ષ કંપનીના કમ્પાઉન્ડને પોતાનો અડ્ડો બનાવી બેઠેલા બે હિંસક કપિરાજનો આતંક એટલો વધી ગયો હતો કે લોકો રસ્તા પર નીકળતા ડરતા હતા. આ બંને હિંસક વાનરોએ અત્યાર સુધીમાં 30થી વધુ લોકોને ઓચિંતા હુમલા કરી બચકા ભરીને લોહીલુહાણ કરી મૂક્યા હતા. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આખરે વન વિભાગ દ્વારા બંને ખૂંખાર વાનરોને પાંજરે પૂરવામાં આવતા લોકોએ મોટી રાહત અનુભવી છે.

GEB કચેરીનો વાનરોએ અડ્ડો બનાવ્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ આ હિંસક કપિરાજે જી.ઈ.બી. કચેરીને પોતાનો અડ્ડો બનાવી લીધો હતો. ઓફિસ આવતા કર્મચારીઓ પર કમ્પાઉન્ડમાં ઝાડ પરથી કૂદીને હુમલો કરવાનો એક સિલસિલો શરૂ થયો હતો. આ દરમિયાન ઓફિસે વીજ બિલ ભરવા આવેલા એક આધેડ પર વાનરે ઘાતકી હુમલો કરી દીધો હતો અને તેને બચકા ભરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યાં હતા.

કંપનીના 25 કામદારો પર હુમલો કર્યો આ જ રીતે સિન્ટેક્ષ કંપનીમાં કામ કરતા 25થી વધુ કામદારો પણ વાનરોના હુમલાનો શિકાર બન્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સતત ડરના કારણે લોકો ઘરની બહાર નીકળતા પણ ગભરાતા હતા. આ અંગે ફરિયાદ મળતા વન વિભાગ દ્વારા વાનરોને પકડવા માટે ખાસ ઓપરેશન હાથ ધરાયું હતું.