Gujarat

અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે પર ડુંગળીના કોથળા નીચે છુપાવી લવાતો 15 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન-1ની ટીમે અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે નં.48 પર ડુંગળી ભરેલા ટ્રકની આડમાં સંતાડી લવાતો રૂ.15.32 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ, ટ્રક અને અન્ય સામાન સહિત કુલ 20.38 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની શોધખોળ શરૂ કરી છે.

ડીસીપી ઝોન 1 જગદીશ ચાવડાના માર્ગદર્શન હેઠળ PSI મેહુલ ભરવાડની સૂચના પ્રમાણે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન-1ની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે, અમદાવાદ- વડોદરા નેશનલ હાઇવે પર ફાજલપુર ગરનાળા નજીક ઉભેલા ટ્રકમાં ડુંગળીના કોથળાની આડમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે LCB ઝોન 1ની ટીમે સ્થળ પર પહોંચીને ટ્રકને ઘેરી લીધો હતો.

તપાસ દરમિયાન ટ્રકના ઉપરના ભાગમાં ડુંગળીના કોથળા જોવા મળ્યા હતા. જોકે, કોથળા હટાવી તપાસ કરતાં નીચે પુઠ્ઠાના બોક્સમાં ગોઠવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકના ચાલક જયંતિભાઈ દેવુભાઈ માથાસુરિયા (રહે. ડોળીયા, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર)ને સ્થળ પરથી ઝડપી લીધો હતો.

ટ્રકમાંથી બેગપાઈપર ક્લાસિક વ્હિસ્કીની 1,116 બોટલો, રોયલ ચેલેન્જ વ્હિસ્કીના 2,256 ક્વાર્ટર, મેજિક મોમેન્ટ્સ ઓરેન્જ ફ્લેવર વોડકાના 912 ક્વાર્ટર તેમજ અરબેલા બ્રાન્ડની ઓરેન્જ અને ગ્રીન એપલ વોડકાના 2,304 ક્વાર્ટર સહિત કુલ 15.32 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

પોલીસે દારૂ ઉપરાંત ટ્રક, મોબાઇલ ફોન, રોકડ રકમ અને અન્ય દસ્તાવેજો સહિત કુલ 20.38 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન ડ્રાઇવરે કિમ એક્સપ્રેસ હાઇવે નજીકથી સવજી માથાસુરિયા નામના વ્યક્તિએ દારૂ ભરેલો ટ્રક આપ્યો હોવાનું બહાર આવ્યું છે. આ મામલે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે ફરાર સવજી માથાસુરિયાને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરી છે. સાથે જ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.