Gujarat

ભાજપ કાર્યકરના હત્યારા મોન્ટુ નામદારે પોલીસને ગાળો ભાંડી

અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક ચોંકાવનારો કિસ્સો ખાડિયા વિસ્તારમાંથી સામે આવ્યો છે. ભાજપના કાર્યકરની હત્યાના ગુનામાં જેલની સજા કાપી રહેલો કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર પેરોલ પર બહાર આવ્યા બાદ જાહેરમાં દારૂ પીને ફટાકડા ફોડી આતંક મચાવી રહ્યો હતો.

ખાડિયા પોલીસ જ્યારે તેની ધરપકડ કરવા ગઈ ત્યારે પોલીસ સ્ટેશનની બહાર જ તેણે પોલીસકર્મીને બેફામ ગાળો ભાંડી હતી. એટલું જ નહીં, 2022માં જે મર્ડર કેસમાં તેને પકડ્યો હતો તે જ પોલીસકર્મીને જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

2022માં મર્ડર કેસમાં પકડનાર પોલીસકર્મીને ધમકી પોલીસ સ્ટેશનની બહારના ભાગે જ પોલીસ કર્મચારીને ધમકી આપી હતી કે, 2022માં મેં મર્ડર કર્યું હતું ત્યારે તું મને પકડી લાવ્યો હતો, જેથી હું તને છોડી નહીં અને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. મોન્ટુનો પુત્ર પ્રિન્સ અને દાણીલીમડાના નવાબ બિલ્ડર્સના નવાબખાનના પુત્ર નાદિરખાન ઉર્ફે બાબાખાન પઠાણ પણ તેને મળવા માટે આવ્યો હતો. તેઓએ પણ બોલાચાલી કરી હતી. ખાડિયા પોલીસે પોલીસકર્મીની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

હત્યા કેસના સાક્ષીને ધમકાવતો હતો, પોલીસે દબોચી લીધો બનાવની વિગત એવી છે કે, ખાડિયા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડમાં છેલ્લા 4 વર્ષથી ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ભરવાડને બાતમી મળી હતી કે, 2022ના મર્ડર કેસનો સજા કાપતો ગુનેગાર મોન્ટુ ઉર્ફે મોન્ટુ નામદાર પેરોલ ફર્લોની રજા પર જેલમાંથી બહાર આવ્યો છે.

તે હાલમાં હજીરાની પોળ ખાતે નશાની હાલતમાં ધમાલ મચાવી રહ્યો છે અને પોતાના હત્યા કેસના મુખ્ય સાક્ષીને કેસ પાછો ખેંચવા માટે ધાક-ધમકી આપી રહ્યો છે. બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ અન્ય પોલીસ કર્મચારીઓ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને મોન્ટુને કોર્ડન કરીને ઝડપી લીધો હતો.