પંચમહાલ જિલ્લામાં આગામી 18 જૂન, 2026ના રોજ જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા મધ્ય ગુજરાત ઝોન માટે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સના ભાગરૂપે આ સમિટ હાલોલ સ્થિત પોલિકેબ ઇન્ડિયા લિમિટેડના કોન્ફરન્સ હોલ ખાતે યોજાશે. જિલ્લા તંત્ર દ્વારા આ કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
સમિટના સફળ આયોજન અને અમલીકરણ માટે જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે અધિકારીઓને તેમની જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપી કાર્યક્રમના દરેક પાસાંનું વિગતવાર આયોજન કરવા સૂચનાઓ આપી હતી.

આ જિલ્લા કક્ષાની સમિટમાં પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રી રમેશભાઈ કટારા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે. આ સમિટ દ્વારા જિલ્લામાં રોકાણ, ઉદ્યોગ વિકાસ, રોજગારીની તકો અને સરકારી યોજનાઓના પ્રસાર-પ્રચારને નવી દિશા મળશે તેવી અપેક્ષા છે.
કાર્યક્રમના અસરકારક સંચાલન માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં સ્ટેજ અને બેઠક વ્યવસ્થાપન સમિતિ, બ્રાન્ડિંગ અને મીડિયા પ્રસારણ સમિતિ, કાયદો અને વ્યવસ્થા સમિતિ તેમજ તબીબી સેવા સમિતિનો સમાવેશ થાય છે. દરેક સમિતિને તેમની કામગીરી માટે સ્પષ્ટ જવાબદારીઓ સોંપવામાં આવી છે.

સમિટ દરમિયાન વિવિધ સરકારી વિભાગો, ઉદ્યોગો અને સંસ્થાઓ દ્વારા આશરે 40 જેટલા એક્ઝિબિશન સ્ટોલ ઉભા કરવામાં આવશે. આ સ્ટોલમાં વિકાસલક્ષી યોજનાઓ, ઔદ્યોગિક પ્રગતિ, નવીન ટેક્નોલોજી અને રોકાણની તકો અંગેની માહિતી રજૂ કરાશે, જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

