સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં કાયદાના લીરેલીરા ઉડાડીને નાસીરનગર ખાતે કરાયેલા કથિત ‘ભૂતિયા ડિમોલિશન’(ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી)નો મુદ્દો હાલ સમગ્ર રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ કરોડોના કૌભાંડમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા પહેલેથી જ શંકાના દાયરામાં છે, પરંતુ આ સમગ્ર કાળા કારોબારની ધરી સમાન મુખ્ય સૂત્રધાર તરીકે જેનું નામ સૌથી વધુ ગાજી રહ્યું છે, તે છે તેજસ ઉર્ફે તેજુ રાજપૂત. આ સમગ્ર કૌભાંડમાં વપરાયેલા પોકલેન મશીનના વ્યવસાયી વસીમભાઈ ફ્રુટવાલાએ ચોંકાવનારો ખુલાસો કર્યો.
‘મને શ્રી રામ એજન્સીના માલિક તેજુભાઈ રાજપૂતનો સીધો ફોન આવ્યો હતો’ પોકલેન મશીનના વ્યવસાયી વસીમભાઈ ફ્રુટવાલાએ મીડિયા સમક્ષ આક્ષેપો કરતા જણાવ્યું કે,”હું પોકલેન મશીન ભાડે આપવાનું વ્યવસાયિક કામ કરું છું.
તાજેતરમાં મને શ્રી રામ એજન્સીના માલિક તેજુભાઈ રાજપૂતનો સીધો ફોન આવ્યો હતો, જેમણે તાબડતોબ જીલાની બ્રિજ પર મશીન મોકલવા માટે જણાવ્યું હતું. જ્યારે મેં પ્રોફેશનલ રીતે પૂછ્યું કે, કયું કામ છે અને તેના અસલી માલિક કોણ છે ત્યારે તેમણે વિગતો છુપાવી બસ મશીન મોકલી દેવા દબાણ કર્યું હતું. મેં આવવા-જવાના 7,000 રૂપિયા ફિક્સ ભાડું અને કલાકના 2200થી 2500 રૂપિયા નક્કી કરીને મારું મશીન ત્યાં મોકલ્યું હતું.”
‘આ કૌભાંડમાં મારી કોઈ સંડોવણી નથી’ વધુમાં ઉમેર્યું કે, “ત્યાં ગેરકાયદેસર ડિમોલિશન થયા પછી મીડિયાવાળાઓએ મશીન પર લખેલા નંબર પરથી મારો સંપર્ક કર્યો અને આક્ષેપ કર્યો કે, સુરતના મોટા સ્ક્રેપ ડીલર સલીમભાઈ ફ્રુટવાલા હોવાના નાતે આ ગરીબોના ઘર અમે જ તોડ્યા છે! જો કે, મેં મીડિયા સામે સ્પષ્ટતા કરી છે કે મેં માત્ર વ્યાપારી ધોરણે મશીન ભાડે આપ્યું હતું, આ કૌભાંડમાં મારી કોઈ સંડોવણી નથી. ત્યાં જે રીતે રાતોરાત ડિમોલિશન કરીને નિર્દોષ લોકોને ઉજાડવામાં આવ્યા છે, તે જોઈને સ્પષ્ટ થાય છે કે ગરીબ પરિવારો સાથે ખરેખર ઘણો મોટો અને ક્રૂર અન્યાય થયો છે, જેની ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ થવી જ જોઈએ.”

