Gujarat

પલસાણા પોલીસે ગણતરીના દિવસોમાં એક આરોપીને ઝડપ્યો

પલસાણા તાલુકાના બગુમારા ગામની સીમમાં થયેલી લૂંટનો ભેદ પલસાણા પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. 8 જૂન, 2026ના રોજ બપોરે આશરે 3 વાગ્યે બગુમારા ગામની સીમમાં આવેલા સિલ્વર પ્લાઝા નજીક નિરજ નામના યુવકને ચાર અજાણ્યા શખ્સોએ રોક્યો હતો. આરોપીઓએ તેની મોટરસાયકલની ચાવી કાઢી લીધી હતી અને તેને પકડી રાખી ચપ્પુ બતાવી ધમકી આપી હતી.

આ દરમિયાન યુવકના ખિસ્સામાંથી વીવો કંપનીનો V-28 મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા લૂંટી લેવામાં આવ્યા હતા. બાદમાં આરોપીઓ યુવકની યામાહા R-15 મોટરસાયકલ (નંબર GJ-19-BL-9811) લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પલસાણા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ ઘનશ્યામભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગંધુભાઈ અને નિલેશભાઈ જગદીશભાઈને સંયુક્ત બાતમી મળી હતી.

બાતમીના આધારે, ગુનામાં સંડોવાયેલ આરોપી નિહાલ ઉર્ફે કાલુ રામુ પાલ (ઉંમર 20 વર્ષ, રહે. હરે કૃષ્ણા એપાર્ટમેન્ટ, સાઈ વાટિકા સોસાયટી, બગુમારા ગામ)ને બગુમારા કેનાલ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપી સામે અગાઉ NDPS એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયેલો છે. પોલીસે હાલમાં લૂંટના ગુનાનો ભેદ ઉકેલી વધુ આરોપીઓની સંડોવણી અને મુદ્દામાલની પુનઃપ્રાપ્તિ માટે તપાસ આગળ ધપાવી છે.