Gujarat

ગીર સોમનાથના યાંત્રિક બોટના માલિક સામે ગુનો નોંધાયો, દરિયાઈ જીવસંપત્તિના સંરક્ષણ માટે અઢી મહિના ફિશિંગ બંધ

રાજ્ય સરકાર દ્વારા દરિયાઈ જીવસંપત્તિના સંરક્ષણ અને માછલીઓના પ્રજનન સમયગાળાને ધ્યાનમાં રાખી દર વર્ષે ફિશિંગ પ્રતિબંધ જાહેર કરવામાં આવે છે. આ પ્રતિબંધ દરમિયાન પણ કેટલાક તત્વો ગેરકાયદેસર રીતે દરિયામાં માછીમારી કરતા હોવાની માહિતી મળતા ગીર સોમનાથ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર માછીમારી કરતી એક યાંત્રિક બોટને ઝડપી પાડી તેના માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

1 જૂનથી 15 ઓગસ્ટ સુધી માછીમારી પર પ્રતિબંધ મત્સ્યોદ્યોગ કમિશ્નર, ગાંધીનગરના પરિપત્ર અનુસાર 1 જૂનથી 15 ઓગસ્ટ 2026 સુધી દરિયામાં યાંત્રિક બોટ દ્વારા માછીમારી કરવા તથા માછલીઓના વેચાણ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધનો ભંગ કરનારાઓ સામે કડક કાયદાકીય પગલાં લેવા માટે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ સૂચનાઓ આપી હતી.

આ સૂચનાઓના અનુસંધાને એસ.ઓ.જી. (SOG) શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. કાગડા અને પીએસઆઈ આર.એચ. સુવાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ભીડિયા બંદર સ્થિત એફ.ટી.ડી. (FTD) જેટી નજીક દરિયાકાંઠે “વિઠ્ઠલ પ્રસાદ” નામની અને IND-GJ-32-MO-838 રજીસ્ટ્રેશન નંબર ધરાવતી યાંત્રિક બોટ પ્રતિબંધ હોવા છતાં દરિયામાં ગેરકાયદેસર માછીમારી કરતી ઝડપાઈ હતી.