ગીર જંગલમાં વસવાટ કરતી એશિયાટિક સિંહ પ્રજાતિ અને વૈવિધ્યપૂર્ણ વન્ય સૃષ્ટિને નિહાળવા માટે દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. વન વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, ગીર જંગલ સફારી પાર્કના ટુરિઝમ ઝોનના દ્વાર આગામી 15 ઓક્ટોબર સુધી એટલે કે 4 મહિના માટે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.
ચોમાસાની ઋતુ એ સિંહો માટે સંવનન કાળ (મેટીંગ પિરિયડ) હોવાથી વન્યજીવોને ખલેલ ન પહોંચે અને જંગલના કાચા રસ્તાઓ ખરાબ થઈ જતા હોવાથી દર વર્ષે 16 જૂતથી 15 ઓક્ટોબર સુધી જંગલમાં પ્રવેશબંધી રાખવામાં આવે છે. ચાલુ સીઝનમાં ઉનાળો લંબાતા સેન્ચ્યુરી ઝોન 1 અઠવાડિયું વધુ ખુલ્લો રખાયો હતો, પરંતુ આજે 22 જૂનના રોજ સાંજે 7:00 વાગ્યે પ્રવાસીઓની છેલ્લી ટ્રીપ બહાર નીકળ્યા બાદ જંગલના દ્વાર બંધ કરી દેવાયા છે.
ચાલુ વર્ષે 11 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા સાસણ વન્ય પ્રાણી વિભાગના DCF અગ્નેશ્વર કુમાર વ્યાસે જણાવ્યું કે, “જંગલ સફારી ઝોન અને દેવળિયા સફારી પાર્ક બંને સ્થળોએ મળીને ચાલુ વર્ષે કુલ 11 લાખથી વધુ પ્રવાસીઓએ ગીરમાં સિંહ દર્શન કર્યા છે.

જેમાં 2.84 લાખ પ્રવાસીઓએ ગીર જંગલ સફારી પાર્કની અને 9.15 લાખ પ્રવાસીઓએ દેવળિયા સફારી પાર્કની મુલાકાત લીધી છે.” વન વિભાગ દ્વારા નિયત કરાયેલા પરમિટ અને ટિકિટના દરોથી આ વર્ષે અંદાજે 15 કરોડ રૂપિયાથી વધુની માતબર આવક થઈ હોવાનું અનુમાન છે.

