Gujarat

વેરાવળની જીવાદોરી સમાન હિરણ- 2 ડેમમાં હવે 18.79 ટકા જ પાણીનો જથ્થો

ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળ અને આસપાસના પંથકને પીવાનું પાણી પૂરું પાડતા હિરણ – 2 ડેમમાં ગત વર્ષની સાપેક્ષે 9 ટકાથી વધુ ઓછો જથ્થો ઉપલબ્ધ છે.જેથી આગામી માસ સુધી ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ છે. સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર જો વરસાદ ખેચાઇ તો આગામી માસમાં ઔદ્યોગિક એકમોને અપાતા પાણી પર કાપ મૂકવાની ફરજ પડી શકે છે.

સિંચાઈ વિભાગમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લામાં આવેલ 5 સિંચાઈ યોજનાઓ પૈકી ગત વર્ષે 21 જૂન,2025 ની સ્થિતિએ હિરણ – 1 ડેમમાં 29.74 ટકા,હિરણ – 2 ડેમમાં 28.58 ટકા, શિંગોળા ડેમમાં 19 ટકા, મચ્છુન્દ્રી ડેમમાં 36.69 ટકા અને રાવલ ડેમમાં 52.59 ટકા જથ્થો ઉપલબ્ધ હતો.વરસાદ પણ ગત વર્ષે લગભગ 3 થી 5 ઇંચ સુધી નોંધાયો હતો.

જ્યારે આ વર્ષે 21 જૂનની સ્થિતિએ વરસાદ નોંધ્યો નથી.તેથી હિરણ – 1 ડેમમાં 28.65 ટકા, હિરણ -2 ડેમમાં 18.79 ટકા, શિંગોળા ડેમમાં 32.35 ટકા, મચ્છુન્દ્રી ડેમમાં 39.33 ટકા અને રાવલ ડેમમાં 67.15 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. શિંગોળા ડેમમાં ગત વર્ષે દરવાજા બદલવાની કામગીરી કરવામાં આવી હોવાથી ગત વર્ષથી આ વર્ષે વધુ જથ્થો ઉપલબ્ધ રહ્યો છે.જયારે વેરાવળ સહિત આસપાસના પંથકને પાણીનો જથ્થો પૂરો પાડતા હિરણ – 2 ડેમમાં હાલ માત્ર 18.79 ટકા જથ્થો ઉપલબ્ધ છે.જે ગત વર્ષની સાપેક્ષે 9.79 ટકા ઓછો છે.