Gujarat

વનકર્મી પર હુમલા કેસમાં MLA ચૈતર વસાવાને 7 વર્ષની જેલ

ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. નર્મદા એડીશનલ સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં આ મહત્વનો ચુકાદો આપ્યો છે.

MLA ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત તમામ નવ આરોપીને 7 વર્ષની કેદ અને રૂ.25 હજારનોનો દંડ કરવામાં આવ્યો છે. આ નવ આરોપીઓમાં 4 મહિલા અને 5 પુરૂષ આરોપી સામેલ છે. ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા ફટકારવામાં આવતાં ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ ચૈતર વસાવા ધારાસભ્યપદ પણ ગુમાવી શકે છે.

ચૈતર વસાવાને 7 વર્ષની સજા થયા બાદ વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, દેશમાં ધારાસભ્યો અને સાંસદો માટે આચારસંહિતા તથા કાયદાકીય નિયમો સ્પષ્ટ રીતે નક્કી કરાયેલા છે અને કોર્ટના ચુકાદાને સર્વોપરી માનવામાં આવે છે. જો કોઈ ધારાસભ્યને બે વર્ષથી વધુની સજા ફટકારવામાં આવે તો તે ધારાસભ્ય તરીકે ગણાશે નહીં અને તેની બેઠક ખાલી ગણાશે. આ મામલે લીગલ વિભાગ તરફથી વિધાનસભા અધ્યક્ષને દરખાસ્ત મોકલવામાં આવશે, ત્યારબાદ બેઠક ખાલી કરવાની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યાં સુધી ઉચ્ચ અદાલત તરફથી સજા પર સ્ટે મળતો નથી ત્યાં સુધી બેઠક ખાલી ગણાશે અને સંબંધિત કાર્યવાહી ચાલુ રહેશે. જો ઉપલી કોર્ટ સજા પર સ્ટે આપે તો જ સંબંધિત વ્યક્તિને ફરી ધારાસભ્ય તરીકે માન્યતા મળી શકે છે. પૂર્ણેશ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, કોર્ટનો હુકમ સર્વોપરી છે અને તેના આધારે જ તમામ નિર્ણય લેવામાં આવે છે.

શું છે સમગ્ર મામલો?

આ સમગ્ર મામલે સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે, વર્ષ 2023માં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ વન વિભાગની જમીન પરથી ગેરકાયદેસર વાવેતર દૂર કર્યું હતું. આ બાબતને લઈ ચૈતર વસાવાએ તે કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને ધાક-ધમકી આપી, હવામાં ગોળીબાર કર્યો અને ધોલધપાટ કરી હતી.