સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાયો છે. હાલ ડેમ 126.78 મીટરની સપાટી પર પહોંચ્યો છે અને તે 57 ટકા ભરાયેલો છે. રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે 16,619 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. રાજ્યમાં વરસાદની અછત વચ્ચે, ગુજરાત સરકાર દ્વારા નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલ મારફતે કેવડિયાથી કચ્છ સુધી પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ યોજના રાજ્યની પાણીની જરૂરિયાત પૂરી પાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થયો છે. આ વધારો માત્ર કેચમેન્ટ વિસ્તારમાં થયેલા વરસાદને કારણે નથી, પરંતુ મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમના પાવર હાઉસ ચાલુ થતાં ત્યાંથી છોડવામાં આવતું પાણી સીધું સરદાર સરોવરમાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 16,088 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.

નર્મદા ડેમના CHPH પાવરહાઉસના ત્રણ યુનિટ પણ કાર્યરત કરવામાં આવ્યા છે, જેના દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને, સિંચાઈ અને પીવાના પાણી માટે મુખ્ય કેનાલમાં 16,088 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમમાં કુલ 3324 MCM લાઇવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. નર્મદા નિગમ અને નર્મદા કંટ્રોલ ઓથોરિટીનો પ્રયાસ છે કે ઓછા વરસાદ છતાં આ સિઝનમાં ડેમ સંપૂર્ણ ભરાય.

