સુરત શહેરમાં આગામી સમયમાં યોજાનારા ધાર્મિક ઉત્સવો અને ખાસ કરીને મહોરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણીને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં કાયદો, વ્યવસ્થા અને કોમી સૌહાર્દ જાળવી રાખવાનો છે. આગામી 26 જૂનના રોજ મહોરમનો તહેવાર મનાવવામાં આવનાર છે, જેને લઈને પોલીસ તંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે.
પોલીસ અને જનતા વચ્ચે પરસ્પર સંકલન જરૂરી આ શાંતિ સમિતિની બેઠકમાં સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી તમામ ધર્મના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો અને હિન્દુ-મુસ્લિમ સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, સુરત એ વિવિધતામાં એકતા ધરાવતું શહેર છે અને અહીં દર વર્ષે તમામ તહેવારો ખૂબ જ ઉત્સાહ અને ભાઈચારા સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ મહોરમનો પર્વ કોઈ પણ જાતની અડચણ વગર શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ અને જનતા વચ્ચે પરસ્પર સંકલન ખૂબ જ જરૂરી છે.
પોલીસ આયોજકોને સહકાર આપશે પોલીસ કમિશનરે બેઠકમાં ખાતરી આપી હતી કે, સુરત પોલીસ આયોજકોને 100 ટકા સહયોગ આપશે. તહેવાર દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા અને અન્ય લોજિસ્ટિક્સ બાબતોમાં પોલીસ તંત્ર સંપૂર્ણપણે મદદરૂપ બનશે. આ આયોજનને સફળ બનાવવા તમામ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓને પણ સ્થાનિક સ્તરે સતત સંપર્કમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.
બીજી તરફ, વિવિધ સમાજના આગેવાનો અને ઉત્સવ સમિતિના આયોજકો તરફથી પણ પોલીસ તંત્રને એવો વિશ્વાસ અપાવવામાં આવ્યો છે કે તેઓ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં 100 ટકા સહકાર આપશે અને શિસ્તબદ્ધ રીતે આખા પર્વની ઉજવણી કરશે.

