Gujarat

MLA વસાવાને વધુ એક ઝાટકો, ભરૂચ કોર્ટમાં હાજર થવા આદેશ

આમ આદમી પાર્ટી (AAP) ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે કાનૂની પડકારો સતત વધી રહ્યા છે. વનકર્મીઓ પર હુમલાના કેસમાં 7 વર્ષની જેલની સજા હેઠળ જેલમાં ગયેલા ધારાસભ્ય સામે હવે પોલીસ તંત્રની બદનામી કરવાના અન્ય એક કેસમાં કાયદેસરની ગાળિયો કસાયો છે. ગુજરાત પોલીસ વિરૂદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના મામલે ભરૂચ કોર્ટે કડક વલણ અપનાવીને ચૈતર વસાવાને આગામી 29 જુલાઈએ કોર્ટ સમક્ષ વ્યક્તિગત રીતે હાજર રહેવાનો સ્પષ્ટ આદેશ કર્યો છે.

આ સમગ્ર વિવાદ જુલાઈ 2024 દરમિયાનનો છે, જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ એક જાહેર મંચ પરથી ગુજરાત પોલીસ અંગે ગંભીર અને વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતા. ફરિયાદી પક્ષના જણાવ્યા અનુસાર, વસાવાએ કરેલી ટિપ્પણીઓ સદંતર પાયાવિહોણી હતી અને તેનાથી સમગ્ર પોલીસ તંત્રની ગરિમા તેમજ પ્રતિષ્ઠાને મોટું નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખીને કાનૂની પગલાં ભરવાની તજવીજ શરૂ કરાઈ હતી.

ધારાસભ્ય દ્વારા કરાયેલા આક્ષેપોને પગલે તે સમયના ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા એક સત્તાવાર અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. આ તપાસ અહેવાલના આધારે જ ભરૂચની નામદાર કોર્ટમાં ચૈતર વસાવા વિરૂદ્ધ રીતસરની ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કાયદાકીય પ્રક્રિયા આગળ ધપાવી છે.