સમગ્ર રાજ્યમાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. આ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોટી ખોખરી ગામે પણ પ્રવેશોત્સવ ઉજવાયો હતો. ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. જોશી સહિતના મહાનુભાવોએ ભૂલકાંઓને શાળામાં પ્રવેશ કરાવી શૈક્ષણિક કીટ અર્પણ કરી હતી.
આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. જોશીએ પ્રવેશપાત્ર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, શાળાઓ માત્ર બાળકોને શિક્ષણ જ નહીં, પરંતુ સંસ્કારો અને માનવ જીવનના મૂલ્યોનું પણ સિંચન કરે છે. શાળા પ્રવેશોત્સવ એ નવા પ્રવેશ પામેલા બાળકોના અસ્તિત્વ, વ્યક્તિત્વ અને ઉમળકાનું પ્રતીક છે.

જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત થાય તે અત્યંત જરૂરી છે, કારણ કે શિક્ષણ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું માધ્યમ બને છે. તેમણે વાલીઓને પણ બાળકના શિક્ષણ પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરી હતી. શાળા પ્રવેશોત્સવના કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવાની સાથે શિક્ષણની ગુણવત્તામાં પણ સુધારો જોવા મળી રહ્યો છે.
જિલ્લા પંચાયતના સદસ્ય ડો. પી.વી. કંડોરિયાએ જણાવ્યું હતું કે, શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને હવે બાળકને માત્ર પુસ્તકનું જ્ઞાન નહીં, પરંતુ સ્કીલ બેઇઝ્ડ એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે.

આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી મધુબેન ભટ્ટે જણાવ્યું હતું કે, શિક્ષણ દરેક વ્યક્તિને સક્ષમ બનાવે છે. શિક્ષણ માત્ર નોકરી મેળવવા કે વ્યવસાય કરવા માટે જ જરૂરી નથી, પરંતુ તેનાથી બૌદ્ધિક સમજ કેળવાતી હોય છે.

