ચોમાસાની ઋતુ દરમિયાન પ્રજાના સ્વાસ્થ્યની રક્ષા કરવા અને સંભવિત રોગચાળા સામે આગોતરા પગલાં લેવાના હેતુથી ગુજરાત સરકારે એક પ્રશંસનીય નિર્ણય લીધો છે. આવતીકાલે 1 જુલાઈને બુધવારના રોજ પાટનગર ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતેથી ‘નમો સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત રાજ્યવ્યાપી સામૂહિક સામાજિક સ્વચ્છતા મહાઅભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિધિવત શુભારંભ કરવામાં આવશે.
હોસ્પિટલ કેમ્પસમાં સફાઈ કરી CM કરાવશે ડિજિટલ પ્રારંભ આ મહાઅભિયાન ખાસ કરીને રાજ્યના તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોને કેન્દ્રમાં રાખીને આયોજિત કરવામાં આવ્યું છે. સવારે કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસની મુલાકાત લેશે. તેઓ અહીં સ્થાપિત સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ, હોસ્પિટલ પરિસરમાં પ્રતીક સફાઈ કરીને આ આખા રાજ્યમાં ચાલનારા અભિયાનની શરૂઆત કરાવશે.
ત્યારબાદ, સિવિલ હોસ્પિટલના GMERS ઓડિટોરિયમ હોલ ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રીની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા પણ ખાસ ઉપસ્થિત રહેશે.
ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો અટકાવવાનો હેતુ ચોમાસાની શરૂઆત થતાં જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા ફેલાવવાનો ભય વધી જતો હોય છે. આવા સમયે જ્યાં દર્દીઓ સાજા થવા આવે છે તેવા આરોગ્ય કેન્દ્રો જ સૌથી વધુ સ્વચ્છ, સુરક્ષિત અને જંતુમુક્ત હોવા અનિવાર્ય છે.
આ જ ઉદ્દેશ્ય સાથે નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યના છેવાડાના ગામડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (CHC), જિલ્લા હોસ્પિટલો અને તમામ મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલોના કેમ્પસમાં વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરાશે.

