Gujarat

માણાવદરમાં સામાન્ય વરસાદે બાગ દરવાજા વિસ્તારના ઘરોમાં પાણી ભરાયા

માણાવદર નગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ સામાન્ય વરસાદમાં જ પોકળ સાબિત થયા છે. શહેરના બાગ દરવાજા વિસ્તારમાં આવેલી દેકીવાડીયા શેરી નંબર 1 માં તંત્રની બેદરકારીને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા પૂર્વે ગટર સફાઈ કે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન થતાં સામાન્ય વરસાદમાં જ આખી શેરી અને ઘરોમાં 1 થી 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા.

સ્થાનિક રહીશ અશ્વિનભાઈ દેકીવાડીયાએ જણાવ્યું હતું કે, ઘરોમાં પાણી ઘૂસી જવાને કારણે અનાજ, ફ્રિજ, ગાદલા સહિતની ઘરવખરી પલળી ગઈ છે, જેનાથી મોટું આર્થિક નુકસાન થયું છે. આ ગંભીર સમસ્યા અંગે છેલ્લા કેટલાય વર્ષોથી નગરપાલિકામાં લેખિત રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં નગરપાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. અસહ્ય પરિસ્થિતિ વચ્ચે હવે તો અધિકારીઓ સ્થાનિકોના ફોન પણ ઉપાડતા નથી.

તંત્રના આ અસહકાર સામે ભારે રોષ વ્યક્ત કરતા અશ્વિનભાઈએ કટાક્ષમાં કહ્યું કે, “જો તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવી શકતું ન હોય, તો અમને પાણીમાં આવા-જવા માટે એક હોડી (બોટ)ની સુવિધા કરી આપે.”

આ જ શેરીમાં રહેતા ખુશ્બુબેન દેકીવાડીયાએ ઘરની સ્થિતિ વર્ણવતા જણાવ્યું કે, ગટર સાફ ન થવાને કારણે ઘરમાં ચારેય બાજુ પાણી ભરાઈ ગયા છે, જેના લીધે અત્યારે ઘરમાં બેસવાની પણ જગ્યા બચી નથી. તેમણે ચિંતા વ્યક્ત કરતા સવાલ ઉઠાવ્યો કે, “આ ધોધમાર વરસાદમાં હું મારા 7 વર્ષના નાના બાળકને લઈને અત્યારે ક્યાં જાઉં અને કોના ઘરે આશરો લઉં?”