Gujarat

સનાથલ રિંગ રોડ પર નશામાં ધૂત રિક્ષાચાલકે અકસ્માત સર્જ્યો

અમદાવાદના સનાથલ રિંગ રોડ વિસ્તારમાં નશાની હાલતમાં રિક્ષા ચલાવી રહેલા એક ચાલકની બેદરકારીને કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રિક્ષામાં સવાર આશરે 4 થી 5 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. પોલીસે નશામાં ધૂત રિક્ષાચાલકને ઝડપી પાડી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રિક્ષાચાલકે ભારે માત્રામાં દારૂનું સેવન કર્યું હતું. નશામાં હોવા છતાં તેણે રિક્ષા હંકારી હતી અને સનાથલ રિંગ રોડ પાસે પહોંચતા જ વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. બેફામ ગતિએ હંકારવામાં આવેલી રિક્ષા પલટી મારી ગઈ હતી, જેના કારણે ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી.

અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક 108 ઈમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તો પૈકી બે વ્યક્તિઓની હાલત ગંભીર જણાતા તેમને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઘટનાસ્થળે પહોંચેલી 112 પોલીસની ટીમે નશામાં ધૂત રિક્ષાચાલકને તાત્કાલિક ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.