Gujarat

નીચાણવાળા 15થી વધુ ગામોને એલર્ટ, NDRF ટીમ સ્ટેન્ડબાય

સુરત જિલ્લા અને ઉપરવાસમાં છેલ્લા પાંચ દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. આને કારણે જિલ્લાની કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં પાણીની ભારે આવક થતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામ પાસેથી પસાર થતી કીમ નદીનું જળસ્તર હાઇ-બેરલ બ્રિજ સુધી પહોંચી ગયું છે. નદીમાં પાણીનું સ્તર વોર્નિંગ લેવલ વટાવી દેતા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોના ગામોને સતર્ક કરવામાં આવ્યા છે.

નદીના જળસ્તરમાં સતત વધારાને કારણે ઓલપાડ, હાંસોટ અને માંગરોળ તાલુકાના 15થી વધુ ગામો પ્રભાવિત થવાની સંભાવના છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઓલપાડ ખાતે NDRFની ટીમને તૈનાત કરવામાં આવી છે. વહીવટી તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

તંત્ર દ્વારા નદી કિનારાના રહેવાસીઓ અને માછીમારોને જળસ્તર સામાન્ય ન થાય ત્યાં સુધી નદી કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે.