Gujarat

ગુજરાત પોલીસે ‘ઓપરેશન મિલાપ‘ અંતર્ગત ૧૦ દિવસમાં ૫૦૦ ગુમ થયેલા નાગરિકોને શોધી કાઢ્યા

ગુજરાત પોલીસ દ્વારા ગુમ થયેલા બાળકો અને નાગરિકોને શોધવા માટે ચલાવવામાં આવી રહેલું ‘ઓપરેશન મિલાપ‘ દ્વારા મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. અગાઉના એક મહિનાના સફળ અભિયાન બાદ, તેને માત્ર ૧૦ દિવસ માટે લંબાવવામાં આવ્યું હતું. આ ટૂંકા ગાળામાં પોલીસે રેકોર્ડબ્રેક કામગીરી કરીને વધુ ૫૦૦ ગુમ થયેલા નાગરિકોને શોધી કાઢીને તેમના પરિવારો સાથે મિલન કરાવ્યું છે.

સીઆઈડી ક્રાઈમ (વુમન સેલ)ના એડિશનલ ડીજીપી અજય ચૌધરીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ૧૨ જૂનથી ૨૧ જૂન દરમિયાન ઓપરેશન મિલાપનો બીજાે તબક્કો લંબાવવામાં આવ્યો હતો. આ ૧૦ દિવસમાં જ પોલીસે ૨૮૮ મહિલાઓ, ૧૦૩ પુરુષો, ૮૮ બાળકીઓ અને ૨૧ છોકરાઓ સહિત કુલ ૫૦૦ લોકોને સુરક્ષિત શોધી કાઢ્યા છે. આ અગાઉ ૦૭ મે થી ૦૫ જૂન સુધીના પ્રથમ તબક્કામાં પણ પોલીસે ૧,૪૭૮ નાગરિકોને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.

પોલીસની આ ૧૦ દિવસની લંબાવેલી ઝુંબેશ દરમિયાન વડોદરા એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (છૐ્ેં)ને એક મોટી સફળતા મળી હતી. વડોદરાના છાણી વિસ્તારમાંથી ગત ૧૮ ડિસેમ્બર, ૨૦૨૫થી ગુમ થયેલી ૧૪ વર્ષની એક સગીરાને શોધવા માટે પોલીસે આશરે ૧,૨૦૦ કિલોમીટર દૂર કર્ણાટક સુધી ઓપરેશન હાથ ધર્યું હતું.

આ કેસનો આરોપી સુનિલકુમાર બારીયા સગીરાને ફોસલાવીને ભગાડી ગયો હતો. પકડાવવાની બીકે તેણે જયપુરમાં જઈને પૂજારીનો કોર્સ કર્યો, પોતાનું નામ બદલી નાખ્યું અને કર્ણાટકના શિવમોગાના એક જૈન મંદિરમાં પૂજારી તરીકે નોકરીએ લાગી ગયો હતો. ત્યાં તેણે આ સગીરાને પોતાની પત્ની હોવાની ખોટી ઓળખ આપીને ગોંધી રાખી હતી.

ગુજરાત પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ લોકેશન ટ્રેસ કર્યું હતું. કર્ણાટકમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે પણ વડોદરા AHTU ની ૫ સભ્યોની ટીમે જેમાં મહિલા પોલીસ અધિકારી પણ સામેલ હતા બે દિવસ સુધી મંદિર પર વોચ ગોઠવી હતી. આખરે ત્રીજા દિવસે વહેલી સવારે ૪ વાગ્યે આરોપી મંદિરે આવતા જ તેને દબોચી લેવાયો હતો અને દીકરીને હેમખેમ મુક્ત કરાવી વડોદરા લાવી પરિવારને સોંપવામાં આવી હતી.