ગાંધીનગર
ગાંધીનગરના એક થી ૩૦ સેકટરની વાત કરીએ તો કોમન ચોકની સફાઈ માટે વસાહતીઓને મનપા તંત્રને સફાઈ વેરો દર વર્ષે આપવા છતાં ગાંઠના રૂપિયા દર મહિને ચૂકવવા પડી રહ્યા છે. સેકટર – ૨/સી માં અમુક ચોક્કસ વિસ્તારમાં કોમન ચોકની સફાઈ થઈ રહી છે જ્યારે અન્ય વિસ્તારમાં કોમન ચોકની સફાઈ માટે વસાહતીઓ પૈસા ખર્ચી રહ્યા છે. દર મહિને ઘર દીઠ પચાસ રૂપિયા કોમન ચોકની સફાઈ માટે સફાઈ કામદારને આપવા પડી રહ્યા છે. આ અંગે શહેર વસાહત મહા સંઘના પ્રમુખ કેસરીસિંહ બીહોલાએ જણાવ્યું હતું કે, મનપા અસ્તિત્વમાં આવ્યા પછી નગરજનો પાસેથી કરોડો રૂપિયાનો સફાઈ વેરો વસુલવામાં આવી રહ્યો છે. તેમ છતાં કોમન ચોકની સફાઈ માટે વસાહતીઓને સ્વ ખર્ચ કરવો પડી રહ્યો છે. જાહેર માર્ગો પર તો ગંદકી જાેવા મળે જ છે પણ આંતરિક માર્ગો અને કોમન ચોકમાં પણ રખડતા ઢોરો, કૂતરાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેથી મનપા તંત્રએ ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કામગીરીનું રોજે રોજ મોનીટરીંગ કરીને જે તે વિસ્તારમાં હકીકતમાં સફાઈ થઈ છે કે નહીં તેની વિગતો મેળવી કસૂરવાર સામે પગલાં ભરવા જાેઈએ.ગાંધીનગરનાં કોર્પોરેશન વિસ્તારમાં જાહેર માર્ગો તો ઠીક પણ કોમન ચોકની સફાઈના નામે પણ લાલીયા વાડી ચાલી રહી છે. સફાઈ માટે કરોડો રૂપિયાનો વેરો ઉઘરાવી લેતી કોર્પોરેશને છેલ્લા ત્રણ વર્ષથી અંદાજીત સાત કરોડનો સફાઈનો કોન્ટ્રાક્ટ આપી દેવાયા પછી પણ સેક્ટરોનાં કોમન ચોકની સફાઈ વસાહતીઓ સ્વ ખર્ચે કરવા માટે મજબૂર બન્યા છે. ગાંધીનગર કોર્પોરેશન અસ્તિત્ત્વમાં આવ્યા પછી મનપા દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી પાટનગરમાં જાહેર અને આંતરિક તેમજ કોમન ચોકની સફાઈ માટે અંદાજીત સાત કરોડનું ટેન્ડર ખાનગી કંપનીને આપવામાં આવ્યું છે. છેલ્લાં ત્રણ વર્ષથી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ખાનગી કંપની થકી શહેરની સફાઈ કરાવવામાં આવી રહી છે. ત્યારે જાહેર માર્ગો પર કચરાના ઢગલા તો જાેવા મળવાની સાથોસાથ આંતરિક માર્ગો તેમજ સેકટરના કોમન ચોકની સફાઈના નામે પોલમ પોલ ચાલી રહી હોવાની બૂમરાણ ઉઠવા પામી છે.
