Gujarat

અમદાવાદમાં 2,720 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સને મંજૂરી

રાજ્યના આર્થિક પાટનગર અને હૃદય સમાન અમદાવાદ શહેરમાં લાખો લોકોને પીવાનું શુદ્ધ પાણી, ડ્રેનેજ નેટવર્ક, ગ્રીન એનર્જી અને ટ્રાફિકની સમસ્યાને સુધારવા માટે અર્બન ચેલેન્જ ફંડ અંતર્ગત 6 મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે કુલ ₹2,720 કરોડની મંજૂરી આપવામાં આવી છે. મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદને દેશના અગ્રણી શહેરોમાં સ્થાન આપીને ₹2,720 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે, જે સમગ્ર શહેર માટે ગૌરવની બાબત છે.

આ યોજનાના કુલ ખર્ચના 50% હિસ્સા મ્યુનિસિપલ કોર્પોરેશનનો શહેરના વર્ષો જૂના ભૂગર્ભ ગટર નેટવર્કના પુનર્વસન માટે મળેલી મંજૂરીથી શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લાંબા ગાળે મોટો લાભ મળશે. આ યોજના હેઠળ કુલ ખર્ચના 50 ટકા હિસ્સાની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રહેશે, જ્યારે 25 ટકા સહાય ગુજરાત સરકાર અને 25 ટકા સહાય કેન્દ્ર સરકાર તરફથી મળશે, જે શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ સહયોગ સાબિત થશે. આ તમામ પ્રોજેક્ટની મંજૂરી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર માનીએ છીએ.

₹680-680 કરોડ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર આપશે મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી એન્જિનિયર (WRM) વિભાગના વિજય પટેલે પ્રોજેક્ટની વિગતો આપતાં જણાવ્યું હતું કે કુલ ₹2,720 કરોડના આ પ્રોજેક્ટમાં કોર્પોરેશનના હિસ્સાની 50 ટકા રકમ માટે બેંક ઓફ બરોડા તથા વર્લ્ડ બેંક પાસેથી લોન લેવામાં આવશે, જ્યારે અંદાજે ₹680 કરોડ ગુજરાત સરકાર અને ₹680 કરોડ કેન્દ્ર સરકાર તરફથી સહાયરૂપે પ્રાપ્ત થશે.

1,690 કરોડ ગટર લાઈનના પુનર્વસન પાછળ ખર્ચાશે તેમણે જણાવ્યું હતું કે મંજૂર થયેલા પ્રોજેક્ટ્સમાં સૌથી મોટો હિસ્સો શહેરના જૂના ગટર નેટવર્કના પુનર્વસનનો છે. પશ્ચિમ વિસ્તારમાં 25 વર્ષથી વધુ જૂની થઈ ગયેલી અને વારંવાર બ્રેકડાઉન તથા સેટલમેન્ટની સમસ્યા ઊભી કરતી ગટર લાઈનોના પુનર્વસન માટે ₹850 કરોડ, પૂર્વ વિસ્તાર માટે ₹550 કરોડ તેમજ બ્રિટિશકાળથી કાર્યરત મધ્ય અને દક્ષિણ ઝોનની જૂની ગટર લાઈનોના પુનર્વસન માટે ₹290 કરોડની યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે.