જસદણ તાલુકાના પાંચવડા ગામ નજીક નદી કાંઠેથી એક બંધ સૂટકેસમાંથી અજાણ્યા શખ્સનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઇરાદાથી લાશને સૂટકેસમાં ભરી ફેંકી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોના ધ્યાનમાં આવ્યું કે પાંચવડા ગામ નજીક નદીના કાંઠે એક બિનવારસી અને શંકાસ્પદ સૂટકેસ પડ્યો હતો. આટકોટ પોલીસને જાણ થતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે સૂટકેસ ખોલતા અંદરથી અત્યંત કોહવાયેલી હાલતમાં માનવ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકે જીન્સનું પેન્ટ અને શર્ટ પહેરેલું હતું.
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી રાજકોટ ગ્રામ્ય LCB, SOG તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને ફોરેન્સિક તપાસ અને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. મૃતક કોણ છે, તેની હત્યા ક્યાં અને કયા કારણોસર કરવામાં આવી હતી તેમજ મૃતદેહને અહીં કોણ ફેંકી ગયું તે સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી અલગ-અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

