કારગિલ વિજય દિવસ નિમિત્તે, જામનગરની 27 ગુજરાત બટાલિયન NCC દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કારગિલ યુદ્ધના 527 શહીદોના સર્વોચ્ચ બલિદાનને સન્માનિત કરવા માટે ‘એક પત્ર – 527 વીરોને 527 પત્રો’ શીર્ષક હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં, તમામ NCC કેડેટ્સને કારગિલ યુદ્ધ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમને યુદ્ધની પૃષ્ઠભૂમિ, વ્યૂહાત્મક મહત્વ, ઓપરેશન વિજયની રૂપરેખા અને ભારતીય સશસ્ત્ર દળોના અદમ્ય સાહસ વિશે માહિતગાર કરાયા હતા. શહીદોએ કેવી રીતે દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતાનું રક્ષણ કર્યું તેની પણ જાણકારી અપાઈ હતી.
કૃતજ્ઞતા અને સન્માનના પ્રતીક રૂપે, બટાલિયનના તમામ કેડેટ્સ, ANO/CTO, PI સ્ટાફ અને અધિકારીઓએ કારગિલના દરેક વીરની યાદમાં હસ્તલિખિત પત્રો લખ્યા હતા. દરેક કેડેટે એક શહીદને સમર્પિત પત્ર લખ્યો, જેનાથી 527 વીરોને વ્યક્તિગત રીતે યાદ કરીને સન્માનિત કરવામાં આવ્યા.

આ કાર્યક્રમનું વાતાવરણ ગર્વ અને દેશભક્તિથી ભરેલું હતું. દરેક પત્રમાં શહીદો પ્રત્યે ગર્વ, સલામ, હૃદયપૂર્વકની કૃતજ્ઞતા અને તેમના બલિદાનને ક્યારેય ન ભૂલવાની પ્રતિજ્ઞા વ્યક્ત કરવામાં આવી હતી. આ પહેલથી યુવાનોમાં દેશભક્તિ, ભાવનાત્મક જોડાણ અને શહીદો પ્રત્યે ઊંડો આદર જાગૃત થયો.

