Gujarat

દાગીનાની કિંમત કરતાં વ્યાજ વધી ગયું

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના નરસિંહપુરા ગામે રહેતા અને ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા મહેશભાઈ ઉર્ફે બકાભાઈ રમણભાઈ પઢીયાર અને તેમના પત્ની અરુણાબેને આર્થિક મુશ્કેલીના સમયે વર્ષ 2017થી 2019 દરમિયાન પાદરા ટાઉનમાં આવેલા સોની નીતિન ચંપકભાઈ ગાંધી (નીતિનકુમાર ચોક્સી) પાસે પોતાના સોના-ચાંદીના દાગીના ગીરવે મૂક્યા હતા. સોની નીતિન ગાંધીએ માસિક 3 ટકાના ઊંચા વ્યાજે નાણાં આપવાનું નક્કી કર્યું હતું. આર્થિક મજબૂરીના કારણે પીડિત પરિવારે કટકે-કટકે પોતાના ઘરેણાં ગીરવે મૂકીને કુલ રૂ.90,700ની રકમ વ્યાજે લીધી હતી.

રૂ.90,700ની મૂડી સામે 1,02,600 વ્યાજ ચૂકવ્યું દાગીના ગીરવે મૂક્યા બાદ ખેડૂત પરિવારે વ્યાજના નાણાં નિયમિતપણે ચૂકવવાનું શરૂ કર્યું હતું. ઓક્ટોબર-2019થી નવેમ્બર-2022 સુધી દર મહિને રૂ. 2700 લેખે તેમણે કુલ રૂ.1,02,600 જેટલી માતબર રકમ વ્યાજ પેટે રોકડામાં ચૂકવી દીધી હતી. આમ, મૂળ લીધેલી રકમ કરતાં પણ વધુ રકમ વ્યાજમાં ચૂકવી દીધી હોવા છતાં, સોની નીતિન ગાંધી દ્વારા આ વ્યાજની રકમ સ્વીકાર્યા અંગેની કોઈ પણ પ્રકારની પહોંચ કે રસીદ આપવામાં આવતી નહોતી.

‘દાગીના લોકરમાંથી મળતા નથી’ તેવા બહાના બતાવ્યા ડિસેમ્બર-2022માં જ્યારે ફરિયાદી મહેશભાઈ પાસે નાણાંની સગવડ થઈ ત્યારે તેઓ સોની નીતિન ગાંધીની દુકાને ગયા હતા અને મુદ્દલના પૈસા આપી પોતાના ગીરવે મૂકેલા દાગીના પરત માંગ્યા હતા. તે સમયે સોનીએ થોડા દિવસોમાં દાગીના પરત આપી દેવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ ત્યારબાદ અવારનવાર ધક્કા ખવડાવીને ‘તમારા દાગીના લોકરમાંથી મળતા નથી’ તેવા બહાના બતાવી દાગીના પરત આપવાનું ટાળવામાં આવતું હતું.

દાગીના પરત આપવાની ના પાડી દાદાગીરી કરી માર્ચ-2026માં ખેડૂતના દીકરી આરતી અને દીકરા મેહુલના લગ્ન નક્કી થતાં ઘરેણાંની જરૂરિયાત ઊભી થઈ હતી. જેથી પરિવારે સગા-સંબંધીઓ સાથે જઈને સોની પાસે પોતાના દાગીના પરત માંગ્યા હતા. ત્યારે સોની નીતિન ગાંધી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ચક્રવૃદ્ધિ વ્યાજનો ખોટો હિસાબ બતાવીને દાગીનાની કિંમત કરતાં વ્યાજ વધી ગયું છે, દાગીના પરત નહીં મળે તેમ કહી દાદાગીરી કરી હતી. તેમજ તમારાથી થાય તે કરી લો કહીને પરિવારને ધાક-ધમકી આપી કાઢી મૂક્યા હતા.