‘સૌનો સાથ, સૌનો વિકાસ’નો મંત્ર સંત શ્રી રવિદાસજીના વિચારોનું જ પ્રતીક: ભાજપ જામનગર મહાનગર
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા સંત શિરોમણી શ્રી રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મ જયંતી નિમિત્તે શહેરના વોર્ડ નંબર ૧ થી ૧૬ ના તમામ વોર્ડમાં ભવ્ય અને દિવ્ય ‘દિપોત્સવ’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર જામનગર શહેરમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો અને કાર્યકર્તાઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
વોર્ડ નંબર ૧ ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં જામનગર શહેર ભાજપ અધ્યક્ષા શ્રીમતી બિનાબેન કોઠારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પૂજ્ય રવિદાસજી મહારાજના દિવ્ય જીવન, તેમના ક્રાંતિકારી વિચારો અને સમાજમાં સામાજિક સમરસતા તથા એકતા લાવવા માટેના તેમના મહાન પ્રદાન વિશે વિસ્તૃત વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ‘સમરસતા સંકલ્પ અભિયાન’ ની માહિતી પણ ઉપસ્થિત સૌ નાગરિકો સુધી પહોંચાડવામાં આવી હતી.
”એસા ચાહૂં રાજ મૈં જહાં મિલૈ સબન કો અન્ન,
છોટ બડો સબ સમ બસૈ, રવિદાસ રહૈ પ્રસન્ન.”
સંત શ્રી રવિદાસજી મહારાજે આપેલા આ અમર સંદેશાને યાદ કરતા વક્તાઓએ જણાવ્યું હતું કે, સંત રવિદાસજીએ જે સામાજિક સમરસતા, સમાનતા અને અંત્યોદય (છેવાડાના માનવીનો વિકાસ)નો દિવ્ય સંદેશ આપ્યો હતો, તે જ વિચારોને સાકાર કરવાનું કાર્ય આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર પોતાના વિવિધ વિકાસકાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓ દ્વારા નિષ્ઠાપૂર્વક કરી રહી છે. સંતશ્રીના આ વિચારોમાંથી પ્રેરણા લઈને જ ભાજપ સરકાર ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ ના મંત્ર સાથે આગળ વધી રહી છે.
આ સમગ્ર દિવ્ય દિપોત્સવ કાર્યક્રમને શહેરના તમામ ૧૬ વોર્ડમાં સફળ બનાવવા માટે પૂર્વ મેયર શ્રી વિનોદભાઈ ખીમસૂરિયા (ઇન્ચાર્જ) તથા સહ-ઇન્ચાર્જશ્રીઓ અનુક્રમે શહેર ભાજપ ઉપાધ્યક્ષ શ્રી વિજયભાઈ પરમાર, શહેર ભાજપ ઉપાધ્યક્ષ શ્રીમતી દયાબેન પરમાર, શહેર ભાજપ મંત્રી શ્રીમતી નીતાબેન પરમાર અને જામનગર મહાનગર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી ચંદ્રગુપ્ત રાઠોડ દ્વારા સુદ્રઢ અને વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

