Gujarat

જામનગરમાં ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ

જામનગર સહિત રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. આ સંભવિત આકાશી આફતને પગલે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. જામનગર જિલ્લા કલેક્ટર પી. બી. પંડયા અને મહાનગરપાલિકા કમિશનર દીપક કેડિયા સહિત સમગ્ર જિલ્લા પ્રશાસન અને ફાયર બ્રિગેડ ટીમ કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ છે.

જામનગર જિલ્લાના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. તેમને હેડક્વાર્ટર ન છોડવા અને ફરજ પર હાજર રહેવા સૂચના અપાઈ છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં શુક્રવાર અને શનિવારના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રાખી રજા જાહેર કરાઈ છે.

જામનગર માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીઓની નવી આવક બંધ જામનગર માર્કેટિંગ યાર્ડ સંચાલન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે તારીખ 31/07ના રોજ રાત્રે 12:00 વાગ્યાથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં તમામ પ્રકારની જણસીઓની નવી આવક સંપૂર્ણપણે બંધ રહેશે. માર્કેટિંગ યાર્ડમાં પડી રહેલા માલની હરાજીની પ્રક્રિયા આવતીકાલે શનિવારે રાબેતા મુજબ ચાલુ રહેશે. ​તમામ જણસીઓની નવી આવક ક્યારે શરૂ કરવામાં આવશે, તે અંગેની માહિતી આગામી સમયમાં ખેડૂતો અને વેપારીઓને મેસેજ દ્વારા કરી દેવામાં આવશે. તેથી આગામી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ પોતાનો માલ યાર્ડમાં ન લાવવા વિનંતી કરાઈ છે.

સ્થિતિ પર સતત નજર રાખવા માટે તમામ તાલુકાઓમાં વર્ગ-1 કક્ષાના લાયઝન અધિકારીઓની નિમણૂક કરાઈ છે. પૂર કે કટોકટીની સ્થિતિમાં રેસ્ક્યૂ માટે 12 જેટલી ઈમરજન્સી બોટ પણ તૈયાર રાખવામાં આવી છે.

ભારે પવન અને વરસાદમાં અકસ્માત ન સર્જાય તે માટે હાઇવે અને મુખ્ય માર્ગો પરથી મોટા હોર્ડિંગ્સ ઉતારી લેવા માટે રસ્તા-મકાન (R&B) વિભાગ તેમજ પંચાયતને સૂચના અપાઈ છે. આરોગ્ય વિભાગ પાસે પૂરતો દવાનો જથ્થો ઉપલબ્ધ રખાયો છે. સિંચાઈ વિભાગને ડેમની જળસપાટી પર સતત સતર્ક રહી મોનિટરિંગ કરવા આદેશ અપાયા છે.