Gujarat

વન વિભાગે ગોઠવેલા એક જ પાંજરામાં બંને ફસાયા, ગ્રામજનોને રાહત

ગીર (પૂર્વ) વન વિભાગ, ધારી અંતર્ગત જસાધાર રેન્જના નવા બંદર રાઉન્ડ વિસ્તારમાં આવેલા આમોદ્રા ગામે ભાવેશભાઇ ગોવિંદભાઈ પરમારની વાડી વિસ્તારમાંથી બે દીપડા પાંજરે પુરાયા છે. દીપડાના રંજાડ અંગેની ફરિયાદ મળ્યા બાદ વન વિભાગે કાર્યવાહી કરી હતી.

વન વિભાગના સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી દીપડાને સલામત રીતે પકડવા માટે પિંજરું ગોઠવ્યું હતું. આજે વહેલી સવારે એક જ પિંજરામાં બે દીપડા ફસાયા હતા, જેનાથી વન વિભાગ અને ગ્રામજનોએ રાહત અનુભવી હતી.પકડાયેલા દીપડાઓને વધુ તપાસ અને આરોગ્ય નિરીક્ષણ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે.

ગીર (પૂર્વ) વન વિભાગ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, તેમના વિસ્તારમાં દીપડો, સિંહ અથવા અન્ય કોઈ વન્યપ્રાણીના રંજાડ અંગેની માહિતી મળે તો તાત્કાલિક નજીકની વન વિભાગની કચેરી અથવા અધિકારીઓનો સંપર્ક કરે.

વન વિભાગે લોકોને વન્યપ્રાણીઓથી સાવચેત રહેવા, અનાવશ્યક ભીડ ન કરવા, વન્યપ્રાણીઓને કોઈપણ પ્રકારની છેડછાડ ન કરવા તેમજ સુરક્ષિત અંતર જાળવવા વિનંતી કરી છે, જેથી માનવ અને વન્યપ્રાણી બંનેની સુરક્ષા જળવાઈ રહે.ઉના પંથક ના મોટાભાગ ના ગ્રામ્ય વિસ્તાર સહિત શહેરી વિસ્તાર ના સીમાડે પણ દીપડા નો વસવાટ હોય વન વિભાગ દ્વારા તકેદારી રાખવામાં આવે તેવી માંગ ઉઠવા પામેલ છે