Gujarat

આસામની નિરાધાર વૃદ્ધાને અભયમે રેનબશેરામાં આશરો અપાવ્યો

પરિવારના ત્રાસથી કંટાળીને ભૂલથી ટ્રેનમાં બેસી વડોદરા આવી પહોંચેલી અને છેલ્લા ચાર મહિનાથી રઝળતી આસામની નિરાધાર વૃદ્ધા માટે ‘અભયમ્’ મહિલા હેલ્પલાઈન દેવદૂત સાબિત થઈ છે. એક જાગૃત નાગરિકની હોટલાઈન માહિતી બાદ અભયમની ટીમે વૃદ્ધાને શોધી કાઢી તેમનું કાઉન્સેલિંગ કર્યું હતું અને અટલાદરા સ્થિત ઘરવિહોણા લોકો માટેના ‘રેનબશેરા’માં સુરક્ષિત આશરો અપાવ્યો છે.

વૃદ્ધા અસહાય હાલતમાં હોવાનો અભયમને કોલ મળ્યો મળતી વિગતો અનુસાર, વડોદરાના રેલ્વે કન્ટેનર વોર્ડ (યાર્ડ) વિસ્તારમાં વૃદ્ધા છેલ્લા કેટલાક સમયથી અસહાય હાલતમાં ફરે છે. તેવો કોલ એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ્ હેલ્પલાઈન પર કરવામાં આવ્યો હતો. કોલ મળતા જ અભયમની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક દર્શાવેલા સરનામે પહોંચી હતી અને વૃદ્ધાની પૂછપરછ હાથ ધરી હતી.

પુત્ર-પુત્રવધુ ત્રાસ આપતા હાવોના કારણે ઘર છોડયું જેમાં જાણવા મળ્યું હતું કે, મહિલા મૂળ આસામના વતની છે. તેમના પતિ અને દીકરા-દીકરીઓ આસામમાં જ રહે છે અને ખેતીકામ કરે છે. પુત્ર અને પુત્રવધુ તેમને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા તેમજ સરખું જમવાનું પણ આપતા ન હતા. જે ત્રાસથી કંટાળીને વૃદ્ધા આસામના રેલ્વે સ્ટેશન પર ભીખ માંગીને ગુજરાન ચલાવતા હતા. આ દરમિયાન એક દિવસ ભૂલથી તેઓ ટ્રેનમાં બેસી ગયા હતા અને વડોદરા સ્ટેશન પર ઉતરી ગયા હતા.

વતન પરત જવાની વૃદ્ધાએ ના પાડી છેલ્લા 4 મહિનાથી આ વૃદ્ધા વડોદરાના રેલ્વે કન્ટેનર વોર્ડ વિસ્તારમાં જ રહીને દિવસો વિતાવતા હતા. ત્યાં કામ કરતા શ્રમિકો અને તેમના પરિવારો વૃદ્ધાને જમવાનું આપીને મદદ કરતા હતા. અભયમ્ ટીમે જ્યારે વૃદ્ધાને તેમના વતન આસામ પરત જવાનું પૂછ્યું, ત્યારે તેમણે પરિવારના ત્રાસને કારણે વતન જવાની સ્પષ્ટ ના પાડી હતી અને અહીં જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.