ઉના તાલુકાના પાતાપુર ગામમાં માનવ અને વન્યજીવ સહઅસ્તિત્વનું અનોખું દૃશ્ય જોવા મળ્યું છે. એક ખેડૂત મસરીભાઈ ગોહિલ ખેતરમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની આગળ સિંહ યુગલ પોતાના સિંહબાળ સાથે ચાલી રહ્યું હતું. મસરીભાઈ નિર્ભયતાથી માત્ર પાંચ ફૂટના અંતરે તેમની પાછળ ચાલી રહ્યા હતા.
આ દૃશ્ય ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં માનવ અને વન્યજીવ વચ્ચે વિકસેલા વિશ્વાસ અને સહઅસ્તિત્વની ભાવનાનું પ્રતિક છે. સિંહોની હાજરી છતાં ખેડૂતમાં કોઈ ગભરાટ જોવા મળ્યો ન હતો, અને સિંહોએ પણ કોઈ આક્રમક વર્તન કર્યું ન હતું. પાતાપુર ગામની સીમમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોનો કાયમી વસવાટ છે. સિંહો વારંવાર ગામમાં આવતા હોવાથી ગ્રામજનો સાવચેતી રાખે છે. ગામના મહિલા સરપંચ અરુણાબેન છોડવડિયાએ ગ્રામજનોની સુરક્ષા માટે ગામના વિવિધ વિસ્તારોમાં લગભગ 50 સીસીટીવી કેમેરા લગાવ્યા છે.
આ કેમેરા અને સ્થાનિક માહિતીના આધારે, ગામમાં સિંહોની અવરજવર અંગેની જાણકારી સમયસર ગ્રામજનો સુધી પહોંચાડવામાં આવે છે. આનાથી લોકો સતર્ક રહે છે અને અત્યાર સુધી કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. સરપંચ અરુણાબેન છોડવડિયાએ અગાઉ ગામમાં દીપડાની સમસ્યા દરમિયાન પણ વન વિભાગ સાથે સતત સંપર્કમાં રહીને કામગીરીનું સંકલન કર્યું હતું. દીપડો પાંજરે પુરાય ત્યાં સુધી તેમણે દેખરેખ રાખી અને ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ કરી હતી. તેમની સક્રિયતા અને જવાબદારીની ગામમાં પ્રશંસા થાય છે.

