શહેરની સયાજી હોસ્પિટલમાંથી સારવાર અર્થે લાવવામાં આવેલો દુષ્કર્મ કેસનો આરોપી પોલીસ જપતાને ચકમો આપીને અચાનક ફરાર થઈ જતાં દોડધામ મચી ગઈ છે. ઈન્જેક્શન આપવા માટે હાથકડી ખોલવામાં આવતાં જ આરોપી પોલીસકર્મીને ધક્કો મારીને ભાગી છૂટ્યો હતો. હાલ પોલીસ દ્વારા નજીકની નિર્માણાધીન બિલ્ડિંગમાં ડ્રોન કેમેરા અને માઈક એનાઉન્સમેન્ટની મદદથી આરોપીની શોધોખોળ હાથ ધરવામાં આવી છે તેમજ હોસ્પિટલ પરિસર અને આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી દેવામાં આવી છે
દાહોદ જિલ્લાના દુષ્કર્મ કેસના આરોપી ગોવિંદ વિહાતિયાને ત્વચા (સ્કીન) સંબંધિત તકલીફ હોવાથી સયાજી હોસ્પિટલના વોર્ડ નંબર ૫માં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. ત્યાં તેને ઈન્જેક્શન આપવા માટે પોલીસે તેની હાથકડી ખોલી હતી. આરોપીને એક ઈન્જેક્શન આપ્યા બાદ થોડા સમય પછી બીજું ઈન્જેક્શન આપવાનું હતું. આ દરમિયાન તકનો લાભ ઉઠાવીને આરોપી ગોવિંદે સાથે રહેલા કોન્સ્ટેબલને જાેરદાર ધક્કો માર્યો હતો અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
આરોપી ભાગતાં જ સાથે રહેલા પોલીસકર્મીઓએ તરતજ તેનો પીછો કર્યો હતો, પરંતુ તે હાથ આવ્યો નહોતો. ભાગીને આરોપી સયાજી હોસ્પિટલ નજીક આવેલી એક બહુમાળી નિર્માણાધીન બિલ્ડિંગમાં ઘૂસી ગયો હતો.
આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આખી બિલ્ડિંગને કોર્ડન કરી લીધી હતી. આરોપી કયા ફ્લોર પર છુપાયો છે તેની ચોક્કસ માહિતી મેળવવા માટે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી બિલ્ડિંગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, કોઈ પણ અપ્રિય ઘટના વગર આરોપી સલામત રીતે નીચે આવીને આત્મસમર્પણ કરી દે તે માટે પોલીસ દ્વારા માઈક વડે સતત એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી રહ્યું છે.

