Gujarat

હાઈકોર્ટના A-4 સાઈઝ પેપર અને ટાઈપિંગના કડક સર્ક્યુલર સામે ભારે વિરોધ

સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા 7 અને 8 ઓગસ્ટના રોજ બે દિવસ સુધી કોર્ટના તમામ કામકાજથી અળગા રહેવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર ક્રમાંક 2002/2006ના વિરોધમાં આ નિર્ણય લેવાયો છે. આ નવા નિયમો મુજબ હવે દરેક અરજી, પ્લીડિંગ, એફિડેવિટ, મેમોરેન્ડમ ઓફ અપીલ અને સામાન્ય મુદત અરજી પણ ફરજિયાતપણે કમ્પ્યુટરાઈઝડ ટાઈપિંગ કરીને જ રજૂ કરવાની રહેશે. વકીલ મંડળના મતે, આ કડક નીતિ-નિયમોથી વકીલો અને સામાન્ય પક્ષકારો પર બિનજરૂરી આર્થિક તેમજ વ્યવહારુ બોજ વધશે.

A-4 પેપર, 75 GSM અને ચોક્કસ ફોન્ટનો કડક નિયમ ગુજરાત સરકાર અને હાઈકોર્ટના સર્ક્યુલર મુજબ, હવે તમામ કોર્ટ કાર્યવાહી માટે 75 GSMનું A-4 સાઈઝનું પેપર ફરજિયાત કરવામાં આવ્યું છે, જેમાં આગળ-પાછળ પ્રિન્ટ અને પર્ટીક્યુલર લેંગ્વેજના જ ટાઈપિંગ ફોન્ટનો ઉપયોગ કરવાનો રહેશે. સુરત ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર્સ અને વકીલ મંડળની અગત્યની મીટિંગમાં આ મુદ્દે સખત વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. વકીલોનું કહેવું છે કે, સામાન્ય મુદત અરજી પણ હાથથી લખવાને બદલે ટાઈપ કરાવવી વ્યવહારિક રીતે ખૂબ જ અઘરી અને ખર્ચાળ સાબિત થશે.

રાજ્યના 1.25 લાખથી વધુ વકીલોને સીધી અસર આ મામલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર એડવોકેટ ઝકી શેખે જણાવ્યું કે, આ પરિપત્રથી આજે સમગ્ર ગુજરાતના 1.25 લાખથી વધારે વકીલો અસરગ્રસ્ત થયા છે અને સમગ્ર રાજ્યમાં એનો વિરોધનો સૂર નીકળ્યો છે. જ્યાં સુધી આ બાબતે વકીલોને કોઈ રાહત નહીં મળે ત્યાં સુધી અમે આ આંદોલન જારી રાખીશું. આ પરિપત્ર રદ કરાવવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના તમામ 23 સભ્યો અને વિવિધ વકીલ મંડળો દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ સાહેબને લેખિતમાં વિનંતી અને રજૂઆતો પણ કરવામાં આવી છે.