Gujarat

1125 કરોડની ટેન્સાઇલ જમીનનો વિવાદ, રાજ્ય પોલીસ વડાને પત્ર

વડોદરાના ટેન્સાઇલ જમીન પ્રકરણમાં સામસામે નોંધાયેલી ફરિયાદોમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવીને 75 વર્ષીય સિનિયર સિટીઝન ફરિયાદીએ રાજ્ય પોલીસ વડા સમક્ષ તપાસ CIDને સોંપવા માટે માગ કરી છે અને ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

‘પોલીસ સંજય પટેલ અને અન્ય લોકો સામે પગલાં લેતી નથી’ કારેલીબાગ વિસ્તાર આવેલ કૃષ્ણવેલી ફ્લેટ્સમાં રહેતા ટેન્સાઇલ સ્ટીલ કંપનીના પૂર્વ ડિરેક્ટર કિશોર જગજીવનદાસ સુરતવાલાએ ડીજીપીને કરેલી અરજીમાં કહ્યું છે કે, ટેન્સાઇલના સંજય વલ્લભદાસ પટેલે મારી સામે ફરિયાદ કરતા ક્રાઇમ બ્રાન્ચે તરત જ ફરિયાદ નોંધીને મારી ધરપકડ કરી હતી.

કોર્ટે મને જામીન આપ્યા હતા અને સંજય પટેલ સામે મેં આપેલી અરજી બાબતે પોલીસે કોઇ કાર્યવાહી નહીં કરતાં મારી FIR નોંધવા માટે પોલીસને આદેશ આપ્યો હતો. જેથી પોલીસને સંજય પટેલ સામે ફરિયાદ નોંધવી પડી હતી, પરંતુ પોલીસે મારી સામે જે રીતે કાર્યવાહી કરી તે રીતે સંજય પટેલ અને અન્ય લોકો સામે પગલાં લેતી નથી. જેથી તેઓ છૂટથી ફરી રહ્યા છે.

હાઈકોર્ટમાં પીટીશન કરવાની ચીમકી ઉચ્ચારી હું જ્યારે પણ પોલીસ પાસે રજૂઆત કરું છું ત્યારે મને કોઇને કોઇ બહાના બતાવવામાં આવે છે. મને શંકા છે કે પોલીસ દબાણ કરીને સમાધાન કરાવશે અથવા તો સંજયની ફરિયાદમાં ચાર્જશીટ રજૂ કરી દેશે. જેથી મને જો કાંઇ પણ થઇ જાય તો તેની જવાબદારી સંજય પટેલ, જીગ્નેશ દેસાઇ, ધર્મેશ અમીન અને પિન્કેશ રાયની રહેશે અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહી આવે તો મારે હાઈકોર્ટમાં પીટીશન કરવાની ફરજ પડશે.